Vadodara: ડભોઈમાં પુરપાટ અર્ટિગા કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ કાંસમાં ખાબકી, 2 મિત્રોના મોત; 5 ઘાયલ

દિવાળીએ મોડી રાત સુધી ફટાકડા ફોડી મિત્રો ડભોઈ ચા-નાસ્તો કરવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Oct 2025 10:57 PM (IST)Updated: Tue, 21 Oct 2025 10:57 PM (IST)
vadodara-news-car-hit-with-tree-2-friends-killed-5-injured-in-accident-at-dabhoi
HIGHLIGHTS
  • કાંસમાં ખાબકેલી અર્ટીગા કારનો કચ્ચરઘાણ વળી ગયો
  • ડભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Vadodara: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સીમળીયા ગામ નજીક અર્ટિંગા કારને દિવાળીની રાતે અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ જતી અર્ટિંગા કાર ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈને કાંસમાં ખાબકતા 2 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ડભોઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંખેડા નજીક બહાદરપરમાં રહેતા સાતેક જેટલા મિત્રો દિવાળીના દિવસે મોડી રાતે સુધી ફટાકડા ફોડ્યા હદા. મોડી રાતે તેઓ અર્ટીગા કારમાં ડભોઈ ચા-નાસ્તો કરવા ગયા હતા. જ્યાંથી ચા-નાસ્તો કરીને અર્ટીગા કાર લઈને પરત બહાદરપર આવી રહ્યા હતા.

આ દરમિયાન સીમળીયા ગામ પાસેથી તેમની કાર પસાર થઈ રહી હતી, ત્યારે જ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈને રોડની નજીકના કાંસમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ડભોઈ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પંચનામું કરી બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા, જ્યારે અન્ય 5 મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ અકસ્માત ગ્રસ્ત કાર ચલાવનાર વ્રજ શાહ અને દર્પણ વાળંદ તરીકે થઈ છે. હગાલ તો પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાં સવાર ભાર્ગવ અમીનની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.