Sana Malik Win: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોટાભાગે આવી ગયું છે. જેમાં ભાજપ ગઠબંધન ઐતિહાસિક જીત મેળવી ચૂક્યું છે. જો કે આ ચૂંટણીમાં અનેક એવી હોટ સીટો રહી જેના પરિણામ પર સૌ કોઈની નજર રહી હતી. આવી જ એક બેઠક મહારાષ્ટ્રની અણુશક્તિનગર હતી. આ બેઠક પર NCP શરદ પવારે બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ આપી હતી. જેની સામે ભાજપ મહાયુતિમાં સામેલ અજીત પવારની NCPએ નવાબ મલિકની પુત્રી સના મલિકને મેદાનમાં ઉતાર્યા હતા.
ચૂંટણી પરિણામ જાહેર થતાં જ સ્વરા ભાસ્કર ભડકી
અણુશક્તિનગર વિધાનસભા બેઠક પર સના મલિકને 49,341 મત મળ્યા, જ્યારે સ્વરા ભાસ્કરના પતિને માત્ર 45,963 લોકોએ જ મત આપ્યો હતો. આમ 3378 મતે પતિનો પરાજય થતાં બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ભડકી હતી અને EVM પર જ સવાલ ઉઠાવ્યા હતા.
NOTA Vote: શું 'નોટા'ને નકારી રહ્યા છે મતદારો? મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીના પરિણામો બાદ ઉઠ્યા સવાલ
સ્વરા ભાસ્કરે કહ્યું કે, 19 પૈકી 17 રાઉન્ડમાં મારા પતિ આગળ હતા અને છેલ્લા બે રાઉન્ડમાં એવું તો શું થયું કે, તે પાછળ થઈ ગયા. જે EVM મશીનની બેટરી 99 ટકા ચાર્જ હતી, તેમાં સના મલિકના સૌથી વધુ મત નીકળી રહ્યા હતા. EVM 99 ટકા ચાર્જ કેવી રીતે રહી શકે છે?
કોણ છે સના મલિક?
સના મલિક બીજુ કોઈ નહીં, પરંતુ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારના વિશ્વાસું નવાબ મલિકની પુત્રી છે. નવાબ મલિક મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે અને હાલ જામીન પર બહાર છે. નવાબ મલિક પર અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શનના આરોપ પણ લાગી ચૂક્યા છે.
ખાસ વાત એ છે કે, ડી કંપની સાથેના કનેક્શનના આરોપ બીજા કોઈએ નહીં, પરંતુ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જ લગાવ્યા હતા. અગાઉ જ્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં નવાબ મલિક હતા, ત્યારે તેઓ સતત વિવાદોમાં રહ્યા હતા.
આ અણુશક્તિનગર નવાબ મલિકનો ગઢ મનાય છે, પરંતુ તેઓ જેલમાં જતાં તેમની પુત્રી સના મલિક સતત આ વિસ્તારમાં સક્રિય રહી હતી.આજ કારણોસર અજીત પવારની NCPએ સના મલિકને આ બેઠક પર ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. સના મલિક એક સારી વક્તા પણ છે. જેથી તાજેતરમાં જ તેમને અજીત પવારની NCPમાં પ્રવક્તા પણ બનાવવામાં આવ્યા હતા.
