NOTA Vote: શું 'નોટા'ને નકારી રહ્યા છે મતદારો? મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીના પરિણામો બાદ ઉઠ્યા સવાલ

જ્યારે કોઈ મતદાતા કોઈ ઉમેદવારને મત આપવા ના માંગતો હોય, તો તે NOTAનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે સમયાંતરે NOTA પર સવાલ ઉઠતા આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 Nov 2024 08:34 PM (IST)Updated: Sat, 23 Nov 2024 08:34 PM (IST)
question-raise-on-nota-vote-after-maharashtra-and-jharkhand-assembly-election-result

NOTA Vote: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણી પરિણામોમાં લોકોએ NOTA વિકલ્પ પર સૌથી ઓછા વૉટ આપ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે.

ચૂંટણી પંચના આંકડા પર નજર નાંખીએ તો, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા બે સૌથી મોટા રાજ્યોમાં ખૂબ જ ઓછા લોકોએ NOTAના વિકલ્પ પર પસંદગી ઉતારી હતી. જેમાં મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં 288 બેઠકો પર 65.02 ટકા મતદાન થયું હતુ.

જ્યારે ઝારખંડમાં 13 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 66.65 ટકા અને 20 નવેમ્બરે બીજા તબક્કામાં 68.45 ટકા મતદાન થયું હતુ. જે પૈકી મહારાષ્ટ્રમાં 0.75 ટકા અને ઝારખંડમાં 1.32 ટકા મતદારોએ NOTAનો ઉપયોગ કર્યો. જે પૈકી મહારાષ્ટ્રમાં જ્યાં 288 બેઠકો પર ચૂંટણી યોજાઈ, ત્યાં એક ટકાથી પણ ઓછા મતદારોએ NOTAને મત આપ્યો છે.

થોડા સમય પહેલા હરિયાણાની 90 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 2 કરોડથી વધુ મતદારો પૈકી 67.90 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પૈકી માત્ર 0.38 ટકા લોકોએ જ NOTAનો વિકલ્પ પસંદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ 2013થી EVMમાં NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે લોકો કોઈ પણ ઉમેદવારને મત આપવા ના માંગતા હોય, તો તેઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે.