Delhi Assembly Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન જે ભાજપ ઉમેદવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વખત ચરણ સ્પર્શ કર્યાં હતા, તેમનું શું પરિણામ આવ્યું? આ પ્રશ્ન સૌ કોઈના મનમાં થઈ રહ્યો હશે. જો કે દિલ્હીની આ પડપડગંજ બેઠક પર ભાજપના ઉમેદવાર રવિન્દ્રસિંહ નેગીએ જંગી જીત મેળવી છે. રવિન્દ્રસિંહે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જાણીતા શિક્ષક અવધ ઓઝાને કારમો પરાજય આપ્યો છે.
પડપડગંજ બેઠક પર રવિન્દ્રસિંહ નેગીને કૂલ 74060 મત મેળવ્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલ અવધ ઓઝાને 45,988 મત અને ત્રીજા ક્રમે રહેલ અનિલકુમારને 16,549 મત મળ્યા હતા. આમ આ બેઠક પર રવિન્દ્રસિંહ નેગી 28,072 મતે જીત મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં PM મોદી ઉત્તર-પૂર્વ દિલ્હીના કરતારનગરમાં એક જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. જ્યાં PM મોદી સ્ટેજ પર પહોંચતા જ આ વિસ્તારથી ઉભા રહેલા ભાજપના ઉમેદવાર એક પછી એક મોદીને મળી રહ્યા હતા. આ દરમિયાન પડપડગંજ વિધાનસભા વિસ્તારથી ભાજપ ઉમેદવાર રવિન્દ્રસિંહ નેગીએ નરેન્દ્ર મોદીની નજીક જઈને તેમના ચરણ સ્પર્શ કર્યા. જેની તરત જ બાદ નરેન્દ્ર મોદી પણ નીચા નમી ગયા અને સતત ત્રણ વખત રવિન્દ્રસિંહ નેગીના ચરણ સ્પર્શ કર્યા હતા.
કોણ છે રવિન્દ્રસિંહ નેગી?
પડપડગંજ બેઠક પર આમ આદમી પાર્ટીનો ગઢ ગણાય છે અને 2013થી અહીં મનિષ સિસોદિયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા રહ્યા છે. જો કે આ વખતે ભાજપ દ્વારા વિનોદનગરના કોર્પોરેટર રવિન્દ્રસિંહ નેગીને મેદાનમાં ઉતાર્યા હતા.
મૂળ ઉત્તરાખંડના રવિન્દ્રસિંહ નેગીનો વિવાદો સાથે જૂનો સબંધ છે. સોશિયલ મીડિયા પર તેમના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં તેઓ એક દુકાનદારને પોતાની ડેરીનું નામ બદલવા કહી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં તેઓ હિન્દુ લારીઓ વાળાને પોતાની ગાડી પર ભગવા ઝંડો ફરકાવવાનું કહી હ્યા છે.
ચૂંટણી પંચમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, રવિન્દ્રસિંહ નેગીની વય 48 વર્ષ છે અને તેઓ ગ્રેજ્યુએટ છે. જેમની કૂલ સંપત્તિ રૂ. 1.8 કરોડ છે, જ્યારે તેમના પર 16 લાખનું દેવું છે.