Ind Vs Pak: પાકિસ્તાન સામે મેચ રમતા ભારતીય ખેલાડીઓને સંજય રાઉતે લીધા આડેહાથ, પૂછ્યું- 'એક મેચ નહીં રમો તો, જય શાહ ફાંસી પર ચડાવી દેશે?'

ભાજપનો રાષ્ટ્રવાદ અને હિન્દુત્વવાદ માત્ર નર્યો ઢોંગ જ છે. પહેલગામમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ તમામ હિન્દુઓ અને ભારતીયોની નિર્મમ હત્યા કરી અને હવે તમે એજ પાકિસ્તાન સાથે મેચ રમવા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Sep 2025 03:26 PM (IST)Updated: Sun, 14 Sep 2025 03:26 PM (IST)
sanjay-raut-statement-over-asia-cup-india-pakistan-match-controversy
HIGHLIGHTS
  • PM મોદી રોષે ભરાયેલી જનતાનું મેચથી ધ્યાન ભટકાવવા મણિપુર પહોંચ્યા
  • આજે બાલા સાહેબ હોત તો આ મેચ પણ ના રમાઈ હોત

Ind Vs Pak: આજે એશિયા કપ અંતર્ગત દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, જેને લઈને દેશભરમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ પણ ભારત-પાકિસ્તાન મેચને લઈને સરકારને સતત ઘેરી રહી છે. એવામાં શિવસેના ઉદ્ધવ જૂથના પ્રવક્તાએ પાકિસ્તાન સામેની મેચને લઈને વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BCCI તેમજ પાકિસ્તાન સામે રમનારા ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે.

સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને દેશની જનતામાં ઉગ્ર રોષ છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેચથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે મણિપુર જવાનો નિર્ણય લીધો છે.

પહેલગામમાં મોતને ભેટેલા શુભમ દ્વિવેદીની પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે. જે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચથી ખુશ નથી. પહેલગામમાં આપણા દેશની મહિલાઓના સિંદૂર ભૂંસી નાંખવામાં આવ્યા. આમ છતાં આપણી ભારતીય ટીમ એ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા જઈ રહી છે.

અનેક દિગ્ગજ ખેલાડીઓએ પણ આ મેચને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આજે તમામ લોકોમાં રોષ છે, તો મેચ રમવાની શું જરૂર છે. PM મોદી ભારત-પાકિસ્તાન મેચથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે મણિપુર પહોંચ્યા હતા.

વધુમાં રાઉતે જણાવ્યું કે, ભાજપનો રાષ્ટ્રવાદ અને હિન્દુત્વવાદ માત્ર નર્યો ઢોંગ જ છે. પહેલગામમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ તમામ હિન્દુઓ અને ભારતીયોની નિર્મમ હત્યા કરી અને હવે તમે એજ પાકિસ્તાન સાથે મેચ રમવાના છો.

મેચ રમી રહેલા ભારતીય ખેલાડીઓને પણ આડેહાથ લેતા શિવસેના નેતાએ જણાવ્યું કે, તમે એક મેચ નહીં, રમો તો આકાશ નહીં તૂટી પડે. ICCના અધ્યક્ષ જય શાહ તમને ફાંસી પર ચડાવી દેશે કે પછી તેના પિતા અમિત શાહ તમારી પાછળ ED લગાવી દેશે.

અમિત શાહ આપણને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવે છે, પરંતુ તેઓ પોતાના પુત્રને આ પાઠ કેમ નથી ભણાવતા. અમિત શાહ વારંવાર કહે છે કે, બાલા સાહેબ હોત, તો આમ ના થયું હોત. આજે હું કહું છું કે, બાલા સાહેબ હોત તો આ મેચ પણ ના રમાઈ હોત. આમ છતાં મેચ રમાઈ હોત, તો મેચ બાદ તેઓ તમને મુંબઈમાં પણ ઘુસવા ના દેતા.