Vadodara: વડોદરામાં ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાનારી એશિયા કપની મેચને લઈ શિવસેના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો. ક્રિકેટરોના શહેર વડોદરામાં શિવસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો જાહેર કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં શિવસેના કાર્યકરો એકત્રિત થયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 'પાકિસ્તાન હાય હાય'ના નારા સાથે કાર્યકરોએ પાકિસ્તાનના ધ્વજને પગ નીચે કચડી નાખ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનના ખેલાડીઓના પોસ્ટરો બાળીને પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી.
શિવસેના કાર્યકરોનું કહેવું હતું કે, પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને આશરો આપે છે. આવા દેશમાં સાથે કોઈ પણ પ્રકારનો ક્રિકેટ રમવાનો નિર્ણય ભારત માટે શરમજનક છે. ભારતના શહીદોના બલિદાનને યાદ રાખીને સરકાર તથા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેના તમામ રમતોનો બહિષ્કાર કરવો જોઈએ.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિવસેના આગેવાનોએ જણાવ્યું કે, દેશની જનતા પાકિસ્તાન વિરુદ્ધ છે. સરકારને દેશની ભાવનાઓનું માન રાખવું જોઈએ અને ખેલાડીઓને પાકિસ્તાન સામે રમવા મોકલવા ન જોઈએ.
શહેરના પોલીસ તંત્ર દ્વારા પણ ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને. સમગ્ર ઘટનાક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. વડોદરામાં થયેલ આ વિરોધથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે, દેશમાં મોટા પ્રમાણમાં લોકો ભારત-પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોના વિરોધમાં છે.
