'મને સતત મેસેજ મળી રહ્યા છે', રાહુલ ગાંધીનો મોટો દાવો- 200 સરકારી અધિકારીઓ અમારા સંપર્કમાં છે

રાહુલ ગાંધીએ ફરી કહ્યું કે, INDIA ગઠબંધનના નેતાઓ આજે સોમવારે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરવાના છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 03:02 PM (IST)Updated: Mon, 12 Oct 2026 03:02 PM (IST)
rahul-gandhi-press-conference-claims-200-government-officials-in-contact-over-vote-chori
Rahul Gandhi Press Conference

Rahul Gandhi Press Conference: દિલ્હીને 'જેલ' માં ફેરવી દેવાનો આરોપ લગાવતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રચંડ હુમલો બોલ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે INDIA ગઠબંધનના નેતાઓ સોમવારે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરવાના છે. તે પહેલાં રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સરકારના આશરે 200 અધિકારીઓ તેમના સંપર્કમાં છે અને સતત માહિતી આપી રહ્યા છે.

'દિલ્હીને જેલમાં ફેરવી દેવાયું?': રાહુલ ગાંધી

આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, "દિલ્હીમાં ઘણા દિવસોથી વોટ ચોરી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, સવાલ એ છે કે દિલ્હીને જેલમાં કેમ બદલી નાખવામાં આવ્યું છે? લોકોને શહેરમાં આવતા રોકવામાં આવી રહ્યા છે, ટ્રેનો અને બસોમાં રોકવામાં આવી રહ્યા છે, બધી જગ્યાએ પોલીસ છે. દિલ્હીને એક કિલ્લામાં બદલી નાખવામાં આવ્યું છે."

તેમણે આગળ ઉમેર્યું કે, "અમે ઈચ્છીએ છીએ કે રસ્તા પર 20,000 થી 30,000 પોલીસકર્મીઓ તૈનાત થાય. સરકાર ખૂબ મોટી ભૂલ કરી રહી છે, કારણ કે અમે દેશને બતાવવા માંગીએછીએ કે પીએમ મોદી જ્ઞાનેશ કુમારની સુરક્ષા પાકી કરવા માંગે છે... તેમને જેટલી વધારે સુરક્ષા મળશે, અમે આખરે તેમના કંટ્રોલર સુધી એટલી જ સરળતાથી પહોંચી શકીશું."

પોલીસ પર દબાણ, છૂટો દોર આપ્યાનો આરોપ

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે પોલીસકર્મીઓ પરેશાન છે કારણ કે તેમને યુવાનોને માર મારવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે RSS ના સભ્યોને ખુલ્લો દોર આપવાના નિર્દેશ આપવામાં આવી રહ્યા છે."

જ્ઞાનેશ કુમાર રાજીનામું કેમ નથી આપી રહ્યા?

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, "આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અમે એ જ સવાલો ઉઠાવી રહ્યા છીએ જે બે ચૂંટણી કમિશનરોએ પૂછ્યા હતા કે જ્ઞાનેશ કુમાર રાજીનામું કેમ નથી આપી રહ્યા? જ્ઞાનેશ કુમાર, તમારી ઊંઘ ઊડી ગઈ છે, અમે તમને છોડીશું નહીં... અમને તમારા ભૂતકાળ અને તમારા ભ્રષ્ટાચાર વિશે ખબર છે, અને અમે રાહ જોઈ રહ્યા છીએ."

એક પત્રકારના સવાલના જવાબમાં રાહુલે એવો પણ દાવો કર્યો હતો કે તેમને જ્ઞાનેશ કુમાર તરફથી મેસેજ મળી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે ચૂંટણી અનિયમિતતાઓ સામે વિપક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનના કારણે મુખ્ય ચૂંટણી કમિશનરની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે અરજી

સુપ્રીમ કોર્ટ જવા અંગે માહિતી આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "કોંગ્રેસ અધ્યક્ષ અને મેં CJI ને પત્ર લખીને ભારતીય લોકશાહીની હત્યા અને ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. CJI એ અમને જવાબ આપ્યો અને અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો... આજે, INDIA ગઠબંધનના નેતાઓ અને હું સાથે મળીને સુપ્રીમ કોર્ટ જઈશું અને આ અરજી દાખલ કરીશું."

પોલીસ અને સુરક્ષા દળોના સમર્થન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, "50% પોલીસકર્મીઅમને કહી રહ્યા છે કે અમે જે કરી રહ્યા છીએ તે સાચું છે અને તેને યથાવત રાખવું જોઈએ. પોલીસ, ITBP, CRPF અને ભારતની જનતા એક તરફ છે, અને બીજી તરફ નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચના 4-5 સભ્યો છે જે 'વોટ ચોરી' અને દેશને હાઈજેક કરવામાં મદદ કરી રહ્યા છે. અમે આ અંતરને વધારી રહ્યા છીએ."

200 અધિકારીઓ સંપર્કમાં હોવાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે તમારી સરકારના આશરે 200 અધિકારીઓ અમારા સંપર્કમાં છે અને અમને સતત માહિતી આપી રહ્યા છે. આમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ (CBI) અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ છે."