CJI Suryakant Refused to Meet: આજે 12 ઓક્ટોબર, સોમવારના રોજ કોંગ્રેસ અને INDIA ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે INDIA બ્લોકના વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરવાનો ઈનકાર કરી દીધો છે. CJI સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, આ પ્રકારે મળવું સત્તાના વિભાજનનાસિદ્ધાંતનું ઉલ્લંઘન છે.
મેમોરેન્ડમ સોંપવા માંગ્યો સમય, CJI નું વલણ
વિપક્ષી ગઠબંધન સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરવાની અને કથિત ચૂંટણી ધાંધલીને લઈને CJI ને મેમોરેન્ડમ સોંપવાની યોજના બનાવી રહ્યું હતું. આ માટે વિપક્ષે સોમવારે સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે CJI સાથે મુલાકાત માટેનો સમય માગ્યો હતો. સૂત્રોના અનુસાર, આ અનુરોધના જવાબમાં CJI એ સ્પષ્ટ કર્યું કે, વિપક્ષ જે મુદ્દાઓ ઉઠાવવા માંગે છે, તે વિષયો પહેલાથી જ અદાલતમાં વિચારાધીન છે અને સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી ચાલી રહી છે. અગાઉ 9 ઓક્ટોબરના રોજ વિપક્ષી સાંસદોનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળ્યું હતું.
મુલાકાત ન કરવાના કારણો, બંધારણીય મર્યાદા
ન્યૂઝ એજન્સી ANI અહેવાલ મુજબ, CJI એ ઈમેલ મારફતે મોકલેલા જવાબમાં મુલાકાતનો ઇનકાર કરવા પાછળના કારણો પણ જણાવ્યા છે. CJI એ સ્પષ્ટ કહ્યું છે કે અદાલત પાસે કોઈપણ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળને આ રીતે વહીવટી સ્તરે મળવાનો કોઈ અધિકાર નથી; અદાલતનું મૂળ કામ અરજી પર સુનાવણી કરવાનું અને ચુકાદો આપવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા હોવાના નાતે સુપ્રીમ કોર્ટના દરવાજા તમામ નાગરિકો માટે 24 કલાક ખુલ્લા છે અને તે દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.
CEC ના રાજીનામાની માંગ અને CJP વિરોધ
CJI દ્વારા વિપક્ષી નેતાઓને મળવાનો ઈનકાર કરવા છતાં સોમવારે માર્ચ યોજાવાની સંભાવના કાયમ છે. વિપક્ષનો આ માર્ચ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોની શ્રેણીનો જ એક ભાગ છે. વિપક્ષ સતત મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગણી કરી રહ્યો છે. તેમની માંગ SIR માં થયેલી અનિયમિતતાઓ અને અન્ય મુદ્દાઓને લઈને છે. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP) અને અન્ય વિદ્યાર્થી સંગઠનો પણ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને તેમના પ્રદર્શનો પણ સતત ચાલુ છે.
રાહુલ ગાંધીની માર્ચમાં જોડાવા અપીલ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ માર્ચ માત્ર કોઈ એક રાજકીય પક્ષનો નથી, પરંતુ તમામ ભારતીયોનો છે. આ માર્ચ દ્વારા તેઓ માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર પર જ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર પર પણ વ્યાપક દબાણ લાવવા માંગે છે, કારણ કે તેમનો આરોપ છે કે સરકારને એસઆઈઆર (SIR) થી ફાયદો થયો છે. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ સુધી યોજાનાર આ માર્ચમાં તમામ વિપક્ષી પક્ષોને જોડાવા માટે અપીલ પણ કરી છે.
