Congress Delhi Protest: કોંગ્રેસે SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને મળવા માટે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરવાની યોજના બનાવી હતી. જોકે, રવિવારે મોડી રાત્રે CJI દ્વારા એપોઈન્ટમેન્ટની માંગ ફગાવી દીધી હતી. જેથી હવે, વિપક્ષે વિરોધ પ્રદર્શનનો કોઈ અન્ય કાર્યક્રમ તૈયાર કરવો પડી શકે છે.
ફરીથી બેઠકની માંગ કરી શકે છે વિપક્ષ
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 12 ઓક્ટોબર, સોમવારે ફરી એકવાર CJI સાથે બેઠકની માંગ કરી શકે છે. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે બેઠક નક્કી થઈ ગઈ છે, જેનાથી વિપક્ષના ઘણા નેતાઓ અને કાનૂની નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાનૂની નિષ્ણાતોનું માનવું હતું કે જો આ બેઠક યોજાય તો તે પોતાની રીતે આવી પ્રથમ પ્રકારની બેઠક હશે.
આ અંગે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ સૌગતા રોયે જણાવ્યું હતું કે, "આવતીકાલે બપોરે 2 વાગ્યા પછી અમે INDIA બ્લોકના નેતાઓ સાથે CJI સૂર્યકાંતને મળવા જઈશું. સરકાર એટલી ડરેલી છે કે તેણે સામાન્ય લોકો માટે ટ્રેનો પણ રોકી દીધી છે. તમે સમજી શકો છો કે લોકોને કેટલી હાલાકી વેઠવી પડી હશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું અમારી મુખ્ય માંગ છે."
રાહુલ ગાંધી દ્વારા 'દિલ્હી ચલો'નું આહવાન
આ મોટા આંદોલનની તૈયારીઓ પર સીધી નજર રાખવા માટે રાહુલ ગાંધીએ ગોવામાં પોતાનો ચૂંટણી કાર્યક્રમ રદ કરી દીધો હતો, અને ચેન્નઈમાં 'છાત્રો કી ગૂંજ' (Chhatron Ki Goonj) કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તુરંત દિલ્હી પરત ફર્યા હતા. તેમણે સામાન્ય નાગરિકો, વિપક્ષી પક્ષો અને સિવિલ સોસાયટીને સુપ્રીમ કોર્ટ સુધીની આ માર્ચમાં જોડાવા અપીલ કરી હતી.
રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ અને મોહન ભાગવત ભારતનો અવાજ દબાવી શકતા નથી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, "લોકશાહી માટે માર્ચ - દિલ્હી ચલો બારાખંભા રોડથી શરૂ થશે" અને લોકોને ત્યાં એકઠા થવા હાકલ કરી હતી.
બીજી તરફ, વિરોધ પ્રદર્શનો પર પોલીસની કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારના શાસનમાં રાજધાનીમાં જે થઈ રહ્યું છે, તેવું તો કટોકટી દરમિયાન પણ થયું ન હતું.
પત્ર લખી CJI સમક્ષ ચિંતા રજૂ કરવાની તૈયારી
પરિસ્થિતિ અંગે વાત કરતા ખડગેએ જણાવ્યું કે, "અમે CJI સૂર્યકાંતને સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર કરીશું. અમે તેમની પાસે કોઈ માંગણી કરી શકીએ નહીં, પરંતુ હાથ જોડીને અમારીચિંતા તેમની સમક્ષ મૂકીશું અને તેમને આ મામલે દખલ કરવા વિનંતી કરીશું." તેમણે વધુમાં ખુલાસો કર્યો કે, તેમણે અને રાહુલ ગાંધીએ આ અંગે CJI ને પત્ર પણ લખ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, CJI સૂર્યકાંતને લખાયેલા પત્રમાં તેમને સોંપવામાં આવનાર આવેદન પત્રના મુખ્ય મુદ્દાઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને ઉપદ્રવીઓ દ્વારા પ્રદર્શનકારીઓને હેરાન કરવાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન AICC મહાસચિવ કે.સી. વેણુગોપાલે તમામ રાજ્યોના પાર્ટી કાર્યકરોને આ વિશાળ પ્રદર્શન માટે દિલ્હીમાં એકઠા થવા આદેશ આપ્યો હતો.
વિવિધ રાજ્યોમાંથી કાર્યકરોની દિલ્હી કૂચ
વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ મોટા સંગઠનાત્મક આહવાનના ભાગરૂપે વિવિધ રાજ્ય પ્રમુખોએ મોરચો સંભાળ્યો છે. હરિયાણાના પાર્ટી અધ્યક્ષ રાવ નરેન્દ્ર, ઉત્તરાખંડના ગણેશ ગોદિયાલ અને રાજસ્થાનના ગોવિંદ સિંહ ડોટાસરા સહિતના નેતાઓએ પોતપોતાના રાજ્યના પાર્ટી કાર્યકરોને મોટી સંખ્યામાં દિલ્હી પહોંચવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ દર્શાવે છે કે વિપક્ષે આ વિરોધ પ્રદર્શન માટે કેવા સ્તરની તૈયારીઓ અને એકજૂટતા દર્શાવી છે.
