અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જ્ઞાનેશ કુમારની ધરપકડની માંગ; અમિત ચાવડાની આગેવાનીમાં રેલી બાદ ધરણા અને પૂતળાદહન

કોંગ્રેસ દ્વારા પતંગ હોટેલથી રૂપાલી સિનેમા સુધી રેલી યોજીને સરદાર બાગ પાસે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 29 Sep 2026 02:33 PM (IST)Updated: Tue, 29 Sep 2026 02:33 PM (IST)
ahmedabad-congress-protest-cec-gyanesh-kumar-effigy-burning-amit-chavda-leads-rally
અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Ahmedabad Congress Protest: અમદાવાદમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન અંદાજે 13 કરોડ મતદારોના નામ ગેરકાયદે રદ કરવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ધરપકડની માંગ સાથે અમદાવાદમાં પતંગ હોટેલથી રૂપાલી સિનેમા સુધી વિશાળ રેલી યોજીને સરદાર બાગ પાસે પૂતળું સળગાવી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

SIR પ્રક્રિયામાં 13 કરોડ વોટ રદ કરવાનો આક્ષેપ

મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી દરમિયાન દેશભરમાંથી આશરે 13 કરોડ મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ ચૂંટણી પંચની તટસ્થતા જોખમાઈ હોવાનો દાવો કરીને કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહી છે.

 

 

ગુજરાતમાં બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં પતંગ હોટલથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડાં પહેરીને રૂપાલી સિનેમા સુધી વિશાળ રેલી કાઢી હતી. ત્યારબાદ સરદાર બાગ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ અને કાર્યકરો જ્ઞાનેશ કુમારને જેલમાં બંધ દર્શાવતા પોસ્ટર સાથે ધરણા પર બેસી ગયા હતા.

ચૂંટણી પંચ સામે અમિત ચાવડાના ગંભીર આરોપ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભારતની ગલી-ગલીમાં વોટ ચોરી કરનાર સામે કડક સજાની માંગ ઉઠી રહી છે. અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, નાગરિકોના મતના અધિકારની રક્ષા કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણી પંચના માધ્યમથી વોટ ચોરી થઈ રહી છે. રાહુલ ગાંધીએ2023 થી પુરાવા આપ્યા હોવા છતાં સંસદમાં તેને વિપક્ષના આક્ષેપ ગણાવી નકારવામાં આવ્યા હતા.

અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે, ત્રણ ચૂંટણી અધિકારીઓ પૈકી બે અધિકારીએ જ્ઞાનેશ કુમાર ખોટું કરી રહ્યા હોવાનું અનેક વખત ધ્યાન દોર્યું હતું. ચૂંટણી વ્યવસ્થાને દૂષિત કરનાર જ્ઞાનેશ કુમારનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે, તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે અને વોટ ચોરી કરનારાઓને જેલમાં ધકેલવામાં આવે.

અનોખો વિરોધ: હથકડી-માસ્ક અને પૂતળા દહન

આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ માર્ગ અપનાવતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક કાર્યકર્તાને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું માસ્ક પહેરાવી દોરીથી બાંધીને રેલીનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં કાર્યકરો કાળા કપડાં પહેરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં નારા લગાવતા હતા.

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું માસ્ક પહેરીને પ્રદર્શનમાં પહોંચ્યા હતા. સરદાર બાગ પાસે અચાનક જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવી દેવાતા ત્યાં હાજર પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. કાર્યકરો દ્વારા પણ તીખા નારા લગાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસના વિરોધ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વિરોધ પ્રદર્શનને પગલે પતંગ હોટલ અને સરદાર બાગ વિસ્તારમાં ભારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ACP સહિત 100 જેટલા પોલીસ સ્ટાફના જવાનોને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તૈનાત રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરી કાળા કપડાં પહેરીને જોડાયા હતા.

જોકે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ તથા નિરવ બક્ષી સહિતના કેટલાક કોર્પોરેટરો અને શહેરના હોદ્દેદારો આ આંદોલનમાંથી ગેરહાજર રહ્યા હતા. આમ, અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન યોજી તાત્કાલિક રાજીનામા અને ધરપકડની માંગ કરવામાં આવી છે.