Punjab Floods: પંજાબમાં પૂરે વિનાશ વેર્યો, 43 લોકોના મોત, પશુઓ પાણીમાં તણાયા, લાખો એકર જમીનનો પાક સ્વાહા

રાજ્યના 23 જિલ્લાના 1902થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે. જેનાથી 3.84 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 20,972 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 05 Sep 2025 09:47 AM (IST)Updated: Fri 05 Sep 2025 09:47 AM (IST)
punjab-floods-43-people-death-submerge-1400-villages-3-55-lakh-people-impacted-597663

Punjab Floods Latest News: પંજાબમાં ભયાનક પૂરના કારણે અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. રાજ્યના 23 જિલ્લાના 1902થી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે. જેનાથી 3.84 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 20,972 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 4.24 લાખ એકર પાક પાણીમાં ડૂબી ગયો છે.

NDRF અને સેનાએ મોર્ચો સંભાળ્યો
NDRFની 31 અને સૈન્ય તથા અર્ધસૈનિક દળોની 29 ટુકડીઓ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. મુખ્યમંત્રી ભગવંત માને અસરગ્રસ્ત ગામોમાં ગેઝેટેડ અધિકારીઓની નિમણૂક કરી છે, જેથી લોકો સીધા તેમને તેમની સમસ્યાઓ જણાવી શકે.

લોકોને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ
પઠાણકોટમાં પહાડો ધસી પડવાની ઘટનાઓ ચાલુ છે, જેના કારણે શાહપુરકંડી ડેમ સાઈડ જુગિયાલ-ધારકલાં રોડ પર કાટમાળ પડતા ટ્રાફિક ઠપ થઈ ગયો છે. લુધિયાણામાં પણ ગંભીર સ્થિતિ છે, જ્યાં સસરાલી કોલોની વિસ્તારમાં સતલુજ નદીનો બંધ નબળો પડ્યો છે. ખેડૂતોના પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા છે.

કેબિનેટ મંત્રી અને ડેપ્યુટી કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તાત્કાલિક સેનાને બોલાવવામાં આવી છે, જે NDRF ટીમ સાથે બંધને મજબૂત કરવાનું કામ કરી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

સરકારી એજન્સીઓ સાથે ઘણી NGO અને શીખ સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં આગળ આવી છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.

હિમાચલના ભારે વરસાદને કારણે ભાખડા ડેમનો જળસ્તર 1679 ફૂટ પર પહોંચી ગયો છે, જે ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ નીચે છે. BBMB મેનેજમેન્ટે ડેમના ચારેય ફ્લડ ગેટ 9-9 ફૂટ ખોલીને કુલ 85,000 ક્યુસેક પાણી છોડ્યું છે, જેનાથી સતલુજ નદી કિનારેના નીચાણવાળા વિસ્તારોમાં ભય ફેલાયો છે.

પંજાબ સરકારે રાહત પેકેજની માંગ કરી
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાનના કહેવાથી પૂર પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કર્યો અને કેન્દ્ર સરકારની ચિંતા વ્યક્ત કરી. પંજાબ સરકારે કેન્દ્ર પાસેથી 2000 કરોડના રાહત પેકેજ અને બાકી રહેલા 60,000 કરોડ રૂપિયા જારી કરવાની માંગ કરી છે.