Private Jobs Work Hours: મહારાષ્ટ્ર સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં ખાનગી નોકરી કરતા કર્મચારીઓને હવે વધુ સમય સુધી કામ કરવું પડશે. આ નવા નિયમ અંતર્ગત કર્મચારીઓને રોજના 9 કલાકને બદલે 10 કલાક કામ કરવું પડશે. આ ફેરફારનો મુખ્ય હેતુ રોજગાર વધારવાનો અને રોકાણને આકર્ષવાનો છે.
9 કલાકને બદલે 10 કલાક કામ કરવું પડશે
આ નિર્ણયથી રાજ્યના ‘ફૅક્ટરીઝ ઍક્ટ 1948’ અને ‘મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ 2017’ માં સુધારા કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નવો નિયમ 20 થી વધુ કે ઓછા કર્મચારીઓ ધરાવતી તમામ સંસ્થાઓને લાગુ પડશે. આ નવા નિયમને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મંજૂરી આપી દીધી છે.
શું-શું ફેરફારો થશે?
- આ સુધારા પછી ખાનગી કંપનીઓમાં હવે રોજની શિફ્ટ 9 કલાકને બદલે 10 કલાકની રહેશે. આ ઉપરાંત ઓવરટાઈમ સંબંધિત નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
- કર્મચારીને લેખિત પરવાનગી સાથે ત્રિમાસિક ઓવરટાઈમ મર્યાદા 115 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવશે.
- કર્મચારી 5 કલાક કે 6 કલાક કામ કર્યા પછી આરામ કરવા માટે બ્રેક લઈ શકશે. વર્કર્સને ઓવરટાઈમ માટે બમણા પૈસા મળશે.
સરકારનો હેતુ શું છે?
સરકારના મતે આ નિર્ણયથી રાજ્યમાં નોકરીઓ વધશે. તેનાથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને પ્રોત્સાહન મળશે. આ સાથે કામ કરતા કર્મચારીઓને હવે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની કોઈ જરૂર રહેશે નહીં, પરંતુ તેમને અધિકારીઓને સંપૂર્ણ માહિતી આપવી પડશે. જે લોકો ઓવરટાઈમ કરે છે, તેમને બમણા પૈસા પણ આપવામાં આવશે.
મહારાષ્ટ્ર પહેલા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ 10 કલાક કામ કરવાનો નિયમ પહેલાથી જ લાગુ છે.