National News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) આત્મકથા (Sonia Gandhi Autobiography) 'બિલોન્ગિંગઃ અ જર્ની ઑફ લવ' (Belonging A Journey of Love) માર્કેટમાં આવી ચૂકી છે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના જીવનની અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક દાયકા કરતાં વધુ સમયથી ભારતની ચૂંટણીલક્ષી રાજનીતિમાં તેમના સૌથી કટ્ટર હરિફ રહેલા નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ પણ કર્યો છે.
પોતાના 544 પાનાના પુસ્તકમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે, તેમની અને નરેન્દ્ર મોદી વચ્ચે ક્યારેય અર્થપૂર્ણ વાતચીત કે સંપર્ક નથી રહ્યો. અત્યાર સુધી હું અને નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં મળ્યા છીએ. જેમકે સ્પીકર ચેમ્બરમાં ક્યારેય તેમનો સામનો થાય છે, ત્યારે અમે બન્ને એકબીજાને માત્ર નમસ્તે જ કહીએ છીએ.
અગાઉ અલગ-અલગ પાર્ટીના નેતાઓ એકબીજા સાથે સારી રીતે વર્તતા હતા. જો કે હવે આવું નથી. નરેન્દ્ર મોદી આંખોથી સંપર્ક કરવાનું ટાળવા બીજી તરફ નજર ફેરવી લે છે. જો કે હોસ્પિટલથી પરત ફર્યા બાદ PM મોદીએ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. જેના જવાબમાં મેં પણ તબિયત સારી હોવાનું જણાવીને તેમનો આભાર માન્યો હતો.
વધુમાં સોનિયા ગાંઘીએ લખ્યું છે કે, મારા વિચાર અને દુનિયાને જોવાનો મારો દ્રષ્ટિકોણ અલગ છે. નરેન્દ્ર મોદી પોતાના દ્રષ્ટિકોણથી લડી રહ્યા હતા અને હું મારા દ્રષ્ટિકોણ માટે. એક એવું ભારત જે વર્ચસ્વની વિરુદ્ધ હોય અને સૌને સાથે લઈને ચાલતું હોય તેમજ ધર્મ નિરપેક્ષ અને સામાજિક ન્યાય માટે ઉભુ રહે. જો કે સોનિયા ગાંધી સ્વીકાર્યું કે, નરેન્દ્ર મોદીએ ખરેખર એક પછાત વર્ગથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં રહીને મહેનતથી સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે કામ કર્યું છે.
આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ સંસદની અંદર વડાપ્રધાન મોદીની ભાષા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ઘણીવાર સંસદમાં બોલતી વખતે નરેન્દ્ર મોદી આકરા શબ્દોનો ઉપયોગ કરે છે, જેમ તેઓ ચૂંટણી સભામાં કરતા રહે છે.
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હંમેશા ભાજપ અને સંઘ પરિવારનો સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે, કારણ કે તેમણે દેશને એક લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષના માર્ગે આગળ વધાર્યો હતો. સંઘ પરિવારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જવાહરલાલ નહેરુ વિરુદ્ધ સતત દુપ્રચાર કરવામાં આવે છે.
