NEET 2026 Paper Leak: તાજતેરમાં NEET 2026 પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરતા CBI દ્વારા સ્કૂલની હેડમિસ્ટ્રેસ મનીષા હવાલદારની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે આરોપીએ કોર્ટ સમક્ષ કેટલાક અગત્યના ખુલાસા કર્યા છે. CBI દ્વારા કોર્ટ સમક્ષ ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી હતી. ધરપકડ બાદ આરોપીને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવી છે.
યાદ કરીને તૈયાર કર્યા પ્રશ્નો, NTA એક્સપર્ટનો ઉલ્લેખ
CBIની પૂછપરછમાં મનીષા હવાલદારે કબૂલાત કરી છે કે તેણે એપ્રિલ મહિનામાં પોતાની યાદશક્તિના આધારે ફિઝિક્સના સવાલો તૈયાર કર્યા હતા. વધુમાં, તેણે આ કામ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના એક કેમેસ્ટ્રી એક્સપર્ટના નિર્દેશ પર જ કર્યું હતું. સહ-આરોપી મનીષા મંધારેના કહેવાથી આ પ્રશ્નોના સેટને મેસેજિંગ એપ દ્વારા અન્ય લોકો સુધી પહોંચાડ્યા હતા. જેના માટે તેણે પોતાના અને પોતાના પતિના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો.
CBI ના જણાવ્યા અનુસાર, આરોપીએ હાથે લખેલા પ્રશ્નપત્રો તૈયાર કરી વિદ્યાર્થીઓને ડિજિટલ તેમજ પ્રિન્ટેડ બંને સ્વરૂપમાં વહેંચ્યા હોવાની વાત પણ સ્વીકારી છે. જે વિદ્યાર્થીને આ પેપર આપવામાં આવ્યું હતું તેની ઓળખ પણ કરી લેવામાં આવી છે.
દરોડામાં મળ્યા અગત્યના પુરાવા, પ્રશ્નપત્રો જપ્ત કર્યા
CBIએ શુક્રવારે સદાશિવ પેઠ સ્થિત હવાલદારના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન મરાઠી-અંગ્રેજી માસ્ટર સેટ પેપર, M-2 કોડ વાળું પેપર અને હિન્દી-અંગ્રેજી સંસ્કરણ સહિતના અનેક NEET-UG પ્રશ્નપત્રો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ તપાસ એજન્સીને હાજરી પ્રમાણપત્ર, NTA દ્વારા જારી કરાયેલા ઓળખપત્રોની નકલ અને રોકડ રકમ પણ મળી આવી છે.
આ પણ વાંચો: NEET UG 2026: સંસદીય સમિતિ સમક્ષ NTAનો દાવો–પેપર લીક નથી થયું, સિસ્ટમ કોમ્પ્રોમાઈઝ થઈ હતી
પુરાવા નાશ કરવાનો પ્રયાસ, પ્રશ્નોના નોટ્સ સળગાવ્યા
CBI એ પોતાના રિમાન્ડ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું કે મનીષા હવાલદારે લીક થયેલું આ મટીરીયલ શેઠ હીરાલાલ સર્રાફ સ્કૂલના સત્તાવાર કમ્પ્યુટરનો ઉપયોગ કરીને પ્રિન્ટ કર્યું હતું. પોતાની સંડોવણી છુપાવવા માટે તેણે સહ-આરોપી મંધારે સાથે થયેલી પોતાની તમામ વાતચીત ડિલીટ કરી દીધી હતી. એટલું જ નહીં, ફિઝિક્સના પ્રશ્નોવાળી હાથે લખેલી નોટ્સ સળગાવીને પુરાવા નાશ કરવાનો પૂરેપૂરો પ્રયાસ પણ કર્યો હતો.
