NEET UG Controversy 2026: સંસદીય સમિતિ સમક્ષ NTAનો દાવો – પેપર લીક નથી થયું, સિસ્ટમ કોમ્પ્રોમાઈઝ થઈ હતી

NEET-UG વિવાદ અંગે સંસદીય સમિતિ સમક્ષ NTAનો મોટો દાવો. અધિકારીઓએ કહ્યું- પેપર લીક નથી થયું પણ અનુવાદ કરનારા શિક્ષકોએ પ્રશ્નો ગોખીને ગેસ પેપર બનાવ્યા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 21 May 2026 11:29 PM (IST)Updated: Thu, 21 May 2026 11:29 PM (IST)
neet-ug-controversy-2026-nta-claims-before-parliamentary-committee-papers-were-not-leaked-system-was-compromised

NEET UG Paper Leak: મેડિકલના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી NEET-UG પરીક્ષાના વિવાદ પર ગુરુવારે શિક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ટોચના અધિકારીઓએ સમિતિ સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે. NTAના મહાનિદેશક અભિષેક સિંહે સ્પષ્ટતા કરી હતી કે, નીટનું પેપર લીક થઈ શકે તેમ નથી, પરંતુ આ કિસ્સામાં માત્ર પ્રોટોકોલ અને સિસ્ટમ સાથે ચેડાં (કોમ્પ્રોમાઈઝ) થયા હતા.

શિક્ષકોએ પ્રશ્નો ગોખીને 'ગેસ પેપર' બનાવ્યા: NTA

સંસદીય સમિતિ સમક્ષ હાજર થયેલા NTAના અધિકારીઓએ જણાવ્યું કે, NEET-UGના અંતિમ પ્રશ્નપત્રને મરાઠી ભાષામાં અનુવાદ (Translation) કરવા માટે જે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે જ ગોબાચારી કરી હતી. આ શિક્ષકોએ પ્રશ્નોને યાદ રાખી લીધા હતા અને બાદમાં તેને કાગળ પર ઉતારીને વિદ્યાર્થીઓને 'ગેસ પેપર' તરીકે વહેંચી દીધા હતા.

જોકે, સમિતિના સભ્યોએ આ દલીલ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. સભ્યોએ જણાવ્યું કે, જો પ્રશ્નપત્રના હૂબહૂ પ્રશ્નો ગેસ પેપરના નામે બહાર આવ્યા હોય, તો તેને ટેકનિકલી પેપર લીક જ ગણવામાં આવે. જ્યારે સમિતિએ પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અંગે NTAના ડીજીને વધુ પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું અને માત્ર એટલું જ કહ્યું હતું કે આ મામલે સીબીઆઈ (CBI) તપાસ ચાલી રહી છે.

સંસદીય સમિતિની બેઠકમાં ભારે હોબાળો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. બેઠક શરૂ થાય તે પહેલા જ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ દિગ્વિજય સિંહ પર એજન્ડા લીક કરવાનો આરોપ લગાવ્યો હતો.

વિપક્ષનો તર્ક: સમિતિના અધ્યક્ષ દિગ્વિજય સિંહે આગ્રહ રાખ્યો હતો કે જ્યારે પ્રશ્નો બહાર આવી ગયા છે તો તેને પેપર લીક જ કહેવું જોઈએ.

શાસક પક્ષનો પલટવાર: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ સહિતના અન્ય ભાજપ સાંસદોએ આનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી સીબીઆઈ (CBI) પોતાની અંતિમ તપાસ રિપોર્ટ રજૂ ન કરે, ત્યાં સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવવું યોગ્ય નથી.

NTA એ રાધાકૃષ્ણન સમિતિની ભલામણોનો ઉલ્લેખ કર્યો

બેઠકમાં હંગામા વચ્ચે NTAના મહાનિદેશકે પરીક્ષાના કડક પ્રોટોકોલની માહિતી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે પરીક્ષાઓમાં સુધારા માટે રચાયેલી રાધાકૃષ્ણન સમિતિની અંદાજે 70 ટકા ભલામણોનો અમલ એજન્સી દ્વારા ઓલરેડી કરી દેવામાં આવ્યો છે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના લગભગ 15 સાંસદો (જેમાં ભાજપ, કોંગ્રેસ અને સપાના નેતાઓ સામેલ હતા) તેમજ ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશી પણ હાજર રહ્યા હતા.

ભવિષ્ય માટે સંસદીય સમિતિનું મહત્વનું સૂચન

આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સંસદીય સમિતિએ NTAને એક મહત્વપૂર્ણ સૂચન કર્યું છે:

સમિતિનું સૂચન: NTA એ પ્રશ્નપત્રોના કુલ 10 અલગ-અલગ સેટ તૈયાર કરવા જોઈએ. આ સેટને મિક્સ કરીને જુદા-જુદા રાજ્યોમાં મોકલવા જોઈએ. આ ફોર્મ્યુલાથી જો કોઈ એક રાજ્યમાં પેપર સંબંધિત કોઈ ગેરરીતિ કે લીક થાય, તો પણ તેની અસર માત્ર તે એક જ રાજ્ય પૂરતી મર્યાદિત રહેશે અને બાકીના રાજ્યોના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.