Manish Sisodia Arrested: હવે EDએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી, તિહાર જેલમાં 8 કલાકની પૂછપરછ બાદ લેવાયું પગલું

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 09 Mar 2023 07:21 PM (IST)Updated: Thu, 09 Mar 2023 07:33 PM (IST)
manish-sisodia-arrested-now-ed-arrested-manish-sisodia-interrogated-tihar-jail-next-day

Manish Sisodia Arrested: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની EDએ ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ EDએ ગુરુવારે બીજી વખત દિલ્હીની એક્સાઈઝ પોલીસી અંતર્ગત કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે સિસોદિયાની તિહાર જેલમાં પૂછપરછ કરી હતી. EDએ આ પહેલા મંગળવારે પણ જેલમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી.

CBIએ મનીષ સિસોદિયાની ગત 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. દિલ્હીન કોર્ટે સોમવારે તેમણે 20 માર્ચ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થવાની છે.

સિસોદિયાની જેલમાં બે વખત પૂછપરછ કરી
આ પહેલા મંગળવારે EDના અધિકારી મની લોન્ડ્રિંગ કાયદા અંતર્ગત સિસોદિયાનું નિવેદન લેવા તિહાર જેલ પહોંચ્યા હતા. EDએ સિસોદિયાની પૂછપરછ માટે કોર્ટ પાસેથી મંજૂરી લીધી હતી. જો તપાસ અધિકારીને એવું લાગે કે મની લોન્ડ્રિંગ અંતર્ગત તેઓ દોષી છે તો ED પીએમએલએની કલમ 19 લગાવી શકે છે, જે અંતર્ગત તેમની ધરપકડની મંજૂરી મળી જાય છે.

CBIને પુરાવા ન મળ્યા તો EDએ કરી ધરપકડ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું- મનીષને પહેલા CBIએ ધરપકડ કરી. CBIને કોઈ પુરાવા ન મળ્યા, રેડમાં કોઈ પૈસા ન મળ્યા. આવતીકાલે જામીન પર સુનાવણી છે. કાલે મનીષ છૂટી જાત. તો આજે EDએ ધરપકડ કરી છે. તેમનો એક જ હેતુ છે- મનીષને કોઈ પણ કાળે અંદર જ રાખવા. રોજ નવા નકલી મામલાઓ બનાવીને. જનતા જોઈ રહી છે. જનતા જવાબ આપશે.

આપના ગંભીર આરોપ
આ વચ્ચે આમ આદમી પાર્ટીએ તિહાર જેલમાં મનીષ સિસોદિયાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે તેમને અન્ય ગુનેગારોની સાથે રાખવામાં આવ્યા છે. જો કે જેલ અધિકારીઓએ આ આરોપોને ફગાવી દીધા છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે સિસોદિયાને જેલમાં વિપશ્યના સેલમાં રાખવાનો ઈનકાર કરી દીધો છે.

જેલ પ્રશાસને આરોપ ફગાવ્યા
તેમણે કહ્યું હતું કે મનીષ સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવા માટે કોર્ટે મંજૂરી આપી હતી પરંતુ તેમ છતાં તેમને જેલમાં અન્ય ગુનેગારોની સાથે રાખવામાં આવ્યા છે. કેન્દ્રએ આ અંગે જવાબ આપવો જોઈએ. આ આરોપને પાયાવિહોણા ગણાવતા દિલ્હી જેલના અધિકારીઓએ કહ્યું કે મનીષ સિસોદિયાને તિહારની કેન્દ્રીય જેલ 1ના એક વોર્ડમાં રાખવામાં આવ્યા છે જ્યાં ઓછી સંખ્યામાં કેદીઓ છે અને કોઈ જ ખુંખાર ગુનેગાર નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.