Bus Accident: નેશનલ હાઈવે નંબર-44 પર આવેલ છૌંદા ટોલ પ્લાઝા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગ્વાલિયરથી મુરૈના જઈ રહેલી બસ હાઈવેના ડિવાઈડર સાથે અથડાયા બાદ બસની પાછળના ચારેય ટાયર નીકળી ગયા હતા. જેના કારણે ઝટકા સાથે અનેક મુસાફરો બારીના કાચ તોડીને રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં કંડક્ટરનું મોત થયું છે, જ્યારે 5થી વધુ મુસાફરો ગંભીર ઘાયલ થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જય ભારત ટ્રાવેલ્સની બસ ગ્વાલિયરથી મુરૈના જઈ રહી હતી. આ બસ છૌંદા ટોલ પ્લાઝાથી 300 મીટર આગળ વધી હશે, ત્યારે જ સામેથી આવી રહેલા વાહનનો ઓવર ટેક કરવાના ચક્કરમાં બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આથી બસને કાબુમાં કરવા માટે ડ્રાઈવરે બ્રેક મારતા બસના પાછળના ટાયર નીકળી ગયા હતા. જેના કારણે બસને જોરદાર ઝાટકો લાગ્યો હતો અને તે 25 મીટર સુધી ઢસડાઈ હતી.
આ સમયે બસના દરવાજા નજીક ઉભો રહેલો કંડક્ટર સીતારામ (45) રસ્તા પર પટકાયો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે ડ્રાઈવરની નજીકની સીટ પર બેઠેલા મુસાફરો આગળની બારીનો કાચ તોડીને રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેમને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
