Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 29 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 47 મિ.મી (1.85 ઈંચ) વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. આ સિવાય પોરબંદરના રાણાવાવ અને ભરૂચના ઝઘડિયામાં 34 મિ.મી (1.34 ઈંચ) વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયા હાટીના અને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય તાલુકામાં 27 મિ.મી (1.06 ઈંચ) તેમજ સુરતના માંગરોળમાં 26 મિમી (1.02 ઈંચ) વરસાદ વરસ્યો છે.
જો સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જો સુરતની વાત કરીએ તો, શહેરમાં આજે બપોર બાદ અચાનક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ સુરત શહેરનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતાં ભરબપોરે અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જે બાદ ગાજવીજ સાથે 12 મિ.મી જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારથી બફારા બાદ બપોરે અચાનક વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
