Crime News: મધ્ય પ્રદેશના દામોહ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે દિવસ પહેલા આપઘાત કરનાર પતિના વિયોગમાં પત્નીએ પણ પોતાની દીકરી સાથે કૂવામાં મોતની છલાંગ લગાવીને મોત વ્હાલું કર્યું છે. બીજી તરફ મૃતકના પિયરિયાએ સાસરીયા પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
હકીકતમાં આજથી બે દિવસ પહેલા અહીંના સજિયાહાર ગામમાં રહેતા નિહાલ પટેલે બીમારીથી કંટાળી ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. જે બાદ આજે નિહાલ પટેલની પત્ની સીમા પટેલ (27)એ પણ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેણીએ લખ્યું છે કે,
હું આજે દુનિયા છોડીને જઈ રહી છું, હું જીવી નથી શકતી. બધા મારી મોટી દીકરીનું ધ્યાન રાખજો. બીજી પોસ્ટમાં સીમાએ પતિ ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે, તમારી સાથે શું દિવસો હતા. ખબર જ ના પડી કે, તમે છોડીને જતા રહ્યા.
બીજી તરફ મૃતકના ભાઈ ધીરેન્દ્ર પટેલે જણાવ્યું કે, મંગળવારે તે બહેનના ઘરે જ હતો. રાતે તેને બીજા રૂમમાં સૂવડાવીને બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. સવારે સાડા 4 વાગ્યે મને ઉઠાડીને કહ્યું કે, તમારી બહેન ભાણીને લઈને કૂવામાં કૂદી પડી છે.
ધીરેન્દ્રએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, સીમાની નણંદે હત્યા કરીને બન્નેને કૂવામાં ફેંકી દીધા છે. જ્યારે પિતા વિશ્વનાથ પટેલે જણાવ્યું કે, સાસરીયા રૂપિયા માંગતા હતા અને દીકરીની મારઝૂડ કરતાં હતા. થોડા દિવસ પહેલા જ તેમને 5 લાખ રૂપિયા આપ્યા હતા.
હાલ તો પથરિયા પોલીસ મથકના ASI સંતોષ સિંહે જણાવ્યું કે, જે આરોપ લગાવવામાં આવ્યા છે, તેની તપાસ કરવામાં આવશે. જો આરોપ સાબિત થશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
