Road Accident In India: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં 2025માં નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં થયેલા મોતનો ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. જેમાં છેલ્લા 6 મહિનામાં 26,770 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 2024માં આ આંકડો 52,609 હતો.
નીતિન ગડકરીએ જણાવ્યું કે, નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા ગીચ ટ્રાફિક ધરાવતા નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે જેમ કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે, ટ્રાન્સ હરિયાણા,ઈસ્ટર્ન ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) સ્થાપિત કરી છે.
જેમાં વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે, જે હાઈવે પર બનતી દુર્ઘટનાઓએ ઝડપથી ઓળખવામાં અને રાજમાર્ગોની અસરકારક દેખરેખ રાખવામાં મદદ કરે છે. જેના પરિણામે ઘટના સ્થળે ઝડપથી સહાય પુરી પાડવામાં મદદ થઈ શકે.
વધુમાં ગડકરીએ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષ દરમિયાન 1,12,561 કિલોમીટર નેશનલ હાઈવે માટે રોડ સેફ્ટી ઑડિટ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતમાં નેશનલ હાઈવેના નિર્માણની ગતિ મંદ પડીને પ્રતિદિન 29 કિલોમીટર રહી ગઈ છે. જે ગત વર્ષે પ્રતિદિન 34 કિમી હતી. અત્યાર સુધીમાં રોડ નિર્માણની સૌથી વઝુ ગતિ 2020-21માં નોંધાઈ હતી, એ વર્ષે પ્રતિદિન 37 કિલોમીટર રોડ બનાવવામાં આવતો હતો.
