Hormuz Crisis: યુદ્ધ વચ્ચે દુનિયાએ ભારતની તાકાત દેખી..હોર્મુઝથી 8 ભારતીય જહાજ હેમખેમ પસાર થયા, ચીન-પાકિસ્તાન જોતા રહી ગયા!

વીતેલા 10 દિવસમાં ભારતના 8 જહાજો હોર્મુઝ સ્ટ્રીટમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયા છે. આ તમામ જહાજો થકી ભારતને લગભગ 2.79 લાખ ટનથી વધુ LPG ગેસ મળ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Apr 2026 07:16 PM (IST)Updated: Sat, 04 Apr 2026 07:17 PM (IST)
hormuz-crisis-india-secures-8-ships-from-strait-of-hormuz-amid-iran-tensions
HIGHLIGHTS
  • 'ગ્રીન સાન્વી' નામનું વધુ એક જહાજ હોર્મુઝ સ્ટ્રીટમાંથી નીકળી ગયું
  • ચીનના 70 જહાજો હજુ હોર્મુઝમાં ફસાયા, પાકિસ્તાનના માત્ર 2 જહાજ કરાંચી પહોંચી શક્યા

Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં સતત વધતા જતાં તણાવ અને ઈરાન યુદ્ધ વચ્ચે 'સ્ટ્રેટ ઑફ હૉર્મુઝ'થી ઓછામાં ઓછા 8 ભારતીય જહાજ સુરક્ષિત નીકળી ચૂક્યા છે. અગાઉ 7 જહાજ સુરક્ષિત નીકળ્યા બાદ શનિવારે 'ગ્રીન સાન્વી' નામનું વધુ એક ભારતીય જહાજ હોર્મુજ સ્ટ્રીટમાંથી બહાર નીકળી ચૂક્યું હોવાનું માલૂમ પડ્યું છે.

ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, હોર્મુઝમાં અત્યારે અલગ-અલગ દેશોના લગભગ 100 જેટલા જહાજ (મોટાભાગના પેટ્રોલિયમ વહન કરતા) ફસાઈ ચૂકેલા છે. જેમાં સૌથી વધુ 60 થી 70 જેટલા જહાજ તો માત્ર ચીનના જ છે. જો કે ઈરાનની મદદથી સૌથી વધુ ભારતીય જહાજો જ હોર્મુઝની બહાર હેમખેમ નીકળી શક્યા છે.

મિડલ ઈસ્ટમાં તણાવ બાદ LPG સંકટનો સામનો કરી રહેલા ભારત માટે આ જહાજોનું સુરક્ષિત આવવું વરદાનથી કમ નથી. હવે આ જહાજો થકી LPGનો પૂરવઠો સરળતાથી પુરો પાડવામાં મદદ મળશે.

ભારત સરકાર દ્વારા છેલ્લા 10 દિવસમાં 'શિવાલિક', 'નંદા દેવી', 'જગ વસંત', બીડબલ્યુ ટાયર, બી ડબલ્યુ એલ્મ, જગ લાડકી અને હવે ગ્રીન સાન્વીના હોર્મુઝમાંથી બહાર નીકળવાની સૂચના મળી ચૂકી છે. જે પૈકી 'જગ લાડકી' સિવાયના અન્ય 7 જહાજો LPG ગેસથી ભરેલા હતા. જેમાં શિવાલિક અને નંદા દેવીમાં કુલ 92,712 ટન LPGનો જથ્થો હતો. પાઈન ગેસ અને જગ વસંતમાં 92,612 ટન અને ટાયર તેમજ એલ્મ જવાબ દ્વારા કુલ 94000 LPG સપ્લાય કરવામાં આવ્યો છે.

આ સિવાય જગ લાડકીમાં 80,886 ટન ક્રૂડ ઑઈલ પણ મુન્દ્રા પોર્ટ પહોંચી ચક્યું છે. આ જહાજ મુન્દ્રા, કંડલા, મુંબઈ અને ન્યૂ મેંગ્લોર જેવા પોર્ટ પર પહોંચ્યા છે. આ તમામ જહાજો થકી ભારતને લગભગ 2.79 લાખ ટનથી વધુ LPG મળ્યો છે, જે દેશના દૈનિક વપરાશ (લગભગ 1 લાખ ટન)ના હિસાબે 2 થી 3 દિવસની જરૂરિયાતને પુરો કરે તેટલો છે.

હવે તો દેશની રિફાઈનરીઓએ પણ LPGનું ઉત્પાદન વધારી દીધુ છે. હોર્મુઝથી ધીમે-ધીમે વધુ 14 ભારતીય જહાજોને ટૂંક સમયમાં નીકળવાની મંજૂરી મળે તેવી આશા વધી ગઈ છે. સરકારી આંકડા અનુસાર, ગત મહિનાની શરૂઆતમાં આ વિસ્તારમાં ભારતના કુલ 24 જહાજો હતા.

ચીન-પાકિસ્તાનની મથામણ અને ઓમાની રૂટનો નવો આશાવાદ

આ સાથે જ હવે ઓમાની રૂટ અપનાવવાની શક્યતા પણ વધી રહી છે, જેનાથી હોર્મુઝમાં અટવાયેલા અન્ય જહાજોને બહાર કાઢવાનું કામ સરળ બનશે. તાજેતરમાં જ ત્રણ ઓમાની ટેન્કરો આ જ રૂટ પરથી પસાર થયા હતા, જે ભવિષ્યમાં જહાજોની અવરજવરને વધુ સરળ બનાવી શકે છે.

બીજી તરફ ચીન સરકારે 31 માર્ચે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તેમના માત્ર ત્રણ જહાજો જ હોર્મુઝની બહાર નીકળી શક્યા છે. જ્યારે પાકિસ્તાને દાવો કર્યો છે કે, ઈરાને તેમના 20 જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા માટે મંજૂરી આપી છે, પરંતુ આ દાવાની હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. અત્યાર સુધી માત્ર બે જ પાકિસ્તાની જહાજ હોર્મુઝમાંથી પસાર થઈને કરાંચી પહોંચી શક્યા છે.