મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા: અમેરિકાએ ઈરાનના 5 તેલ ટેન્કરો કર્યા તબાહ, તેહરાને આપ્યું આકરું અલ્ટીમેટમ!

અમેરિકન વહીવટીતંત્રના નિવેદન અનુસાર, ઈરાને છેલ્લા બે દિવસમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર અને ડિસ્ટ્રોયર પર બેલિસ્ટિક મિસાઈલો વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 09 Sep 2026 07:33 AM (IST)Updated: Wed, 09 Sep 2026 07:33 AM (IST)
us-attacks-iranian-oil-tankers-persian-gulf-kharg-island-tensions-escalate
અમેરિકા દ્વારા ઈરાની તેલ ટેન્કરો પર હુમલો

US Attacks Iranian Oil Tankers: મધ્ય પૂર્વ (Middle East) માં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે. મંગળવારે પર્શિયન ગલ્ફમાં ખાર્ગ ટાપુ નજીક અમેરિકન દળોએ ઈરાનના પાંચ તેલ ટેન્કરો પર ભીષણ હુમલો કર્યો હતો. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાંચેય તેલ ટેન્કરો ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા હતા. યુએસ નેવીના યુદ્ધ જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાના પ્રયાસના જવાબમાં અમેરિકાએ આ આકરૂં પગલું ભર્યું છે.

અમેરિકી યુદ્ધ જહાજો પર હુમલા બાદ જવાબી કાર્યવાહી

અમેરિકન વહીવટીતંત્રના નિવેદન અનુસાર, ઈરાને છેલ્લા બે દિવસમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર અને ડિસ્ટ્રોયર પર બેલિસ્ટિક મિસાઈલો વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, આ હુમલાઓમાં કોઈ પણ અમેરિકન જહાજને નુકસાન થયું નહોતું. તેના જવાબરૂપે વોશિંગ્ટને લશ્કરી કાર્યવાહી કરતા તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે. હાલમાં યુએસ સેના હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની આસપાસ લશ્કરી અને આર્થિક દબાણ વધારી રહી છે તથા ઈરાની બંદરો પર નૌકાદળ નાકાબંધી જાળવી રહી છે.

ઈરાનની બદલો લેવાની ધમકી, ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવા અપીલ

આ હુમલા બાદ ઈરાનના IRGC એ ભારે બદલો લેવાની ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાની સ્ટેટ ટેલિવિઝન પર પ્રસારિત સંદેશમાં IRGC એ ચેતવણી આપી છે કે તેઓ બહેરીન અને કુવૈતના બંદરો નજીક સ્થિત તેલ ટેન્કરોને નિશાન બનાવશે. ઈરાને આ વિસ્તારોમાં લંગારેલા કે ડોક કરાયેલા તમામ તેલ ટેન્કરોના ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક જહાજો છોડીને સુરક્ષિત સ્થળે જતા રહેવા આદેશ આપ્યો છે.

ઈરાની એવિએશન સેક્ટર પર કડક આર્થિક પ્રતિબંધો

બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્રે આર્થિક મોરચે પણ ઈરાન પર સકંજો કસ્યો છે. મંગળવારે અમેરિકાએ ઈરાનના ઉડ્ડયન ક્ષેત્ર પર ભારે પ્રતિબંધો લાદતા 27 ઈરાની એરલાઈન્સ અને નવ સેવા પ્રદાતાઓને બ્લેકલિસ્ટ કર્યા છે. આ ઘટનાક્રમ બાદ છ મહિનાથી વધુ સમયથી ચાલી આવતી દુશ્મનાવટ હવે પૂર્ણ કક્ષાના સંઘર્ષ તરફ આગળ વધી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.