વડોદરા AAPમાં ટિકિટ મુદ્દે બખેડોઃ રોષે ભરાયેલા કાર્યકરનો હોબાળો, ઉમેદવારી માટે પાર્ટીએ રૂ. 5 લાખ માંગ્યાનો ગંભીર આક્ષેપ

આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકરોની કોઈ કિંમત જ નહીં, જે લોકો પૈસા આપે છે, તેમને પ્રાધાન્ય અપાય છે. જ્યારે વર્ષોથી પાર્ટી માટે કામ કરનારાને હાંસિયામાં ધકેલી દેવાયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Apr 2026 06:43 PM (IST)Updated: Sat, 04 Apr 2026 06:43 PM (IST)
vadodara-news-aap-worker-protests-corruption-claims-surface-before-gujarat-local-body-elections
HIGHLIGHTS
  • સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા નાઝીમ પઠાણની પોલીસે અટકાયત કરી

Vadodara: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP)માં ટિકિટ ફાળવણી મુદ્દે આંતરિક જૂથવાદ અને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સપાટી પર આવ્યા છે. પક્ષના પાયાના કાર્યકર નાઝીમ પઠાણે ટિકિટ ન મળતા જાહેરમાં રોષ ઠાલવી પક્ષના સ્થાનિક નેતૃત્વ સામે મોરચો માંડ્યો હતો.

AAPના કાર્યકર પોતાના સમર્થકો સાથે પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા

વડોદરાના TP-13 વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર નાઝીમ પઠાણ પોતાના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પક્ષ દ્વારા પોતાની અવગણના કરવામાં આવી હોવાના આક્રોશ સાથે નાઝીમે પક્ષ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જો કે વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને નાઝીમ પઠાણની અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યોઃ નાઝીમ પઠાણ

પોતાની અટકાયત દરમિયાન નાઝીમ પઠાણે આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આક્ષેપ કરતાં જણાવ્યું કે, પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકરોની કોઈ કિંમત જ નથી. પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે મારી પાસે રૂ. 5 લાખની માંગણી કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીમાં જે કાર્યકરો પૈસા આપી શકે તેમ છે, તેમને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જ્યારે વર્ષોથી જમીની સ્તર પર કામ કરનારાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે.

પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે, શું 'કટ્ટર ઈમાનદારી'નો દાવો કરતી આમ આદમી પાર્ટીમાં ખરેખર ટિકિટોનો સોદો થઈ રહ્યો છે? જોકે, આ આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે તો પાર્ટીનું ઉચ્ચ નેતૃત્વ જ સ્પષ્ટ કરી શકે તેમ છે. હાલમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે.