Global Weather Change: 2026ના વર્ષની શરૂઆતથી જ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં હવામાનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જો ગુજરાતની વાત કરીએ તો, એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે અષાઢી માહોલ છવાઈ જવા સાથે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ કૃષિ પાકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. એવામાં દુનિયાની અલગ-અલગ હવામાન એજન્સીએ મોટી આગાહી કરી છે.
2026ના અંતમાં અલ નીનો સક્રિય થવાથી દુનિયાભરના હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક ભાગોમાં દૂષ્કાળ તો કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જોવા મળી શકે છે. દુનિયાના અલગ-અલગ ભાગોમાં અલ નીનોની જુદી-જુદી અસર જોવા મળશે. જો કે એક વાત સ્પષ્ટ છે કે, વૈશ્વિક તાપમાન વધી શકે છે.
ઓસ્ટ્રેલિયાની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, અત્યારે લા નીનાના કારણે ચાલી રહેલ ઠંડીનો દૌર હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. જેનાથી પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય થયા બાદ આગળ વધીને ગરમ અલ નીનોમાં તબદીલ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમેરિકન હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે, 2026ના મધ્યથી અલ નીનો શરૂ થવાની 66 ટકા શક્યતા છે. જે આ વર્ષના અંત સુધી યથાવત રહી શકે છે.
અલ નીનો સક્રિય થવાથી વૈશ્વિક સરેરાશ તાપમાનમાં લગભગ 0.2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જો પેસિફિક મહાસાગરમાં તાપમાન સામાન્ય રીતે 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. જે એક મજબૂત અલ નીનો માનવામાં આવશે. વર્ષના અંતમાં આ મજબૂત તબક્કાની સંભાવના લગભગ 33 ટકા દર્શાવવામાં આવી રહી છે.
અગાઉ 2015-16માં આવેલા શક્તિશાળી અલ નીનોએ પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચાડી દીધુ હતુ. ઉત્તર ધ્રુવિય ક્ષેત્રમાં બરફ પીગળવાથી દરિયાનું તાપમાન વધ્યું હતુ. હવે વૈજ્ઞાનિકો આજ પેટર્નનું પુનરાવર્તન થવાના સંકેત આપી રહ્યા છે.
દુનિયાના અલગ-અલગ દેશો પર જુદી-જુદી અસર
અલ નીનો આવવાથી વિશ્વના અલગ-અલગ ભાગોમાં મોસમના મિજાજમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં દુષ્કાળ પડવા તેમજ જંગલમાં આગનો ખતરો વધી શકે છે. જ્યારે પેરુ અને ઈક્વાડૉર જેવા દક્ષિણ અમેરિકન દેશોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતમાં ચોમાસું નબળું પડવાની સંભાવના છે. જ્યારે અમેરિકાના ગલ્ફ કોસ્ટ વિસ્તારમાં શિયાળામાં વધારે ભેજ અને વરસાદ વરસી શકે છે. યુનાઈટેડ કિંગ્ડમ (UK) હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પેસિફિક મહાસાગર ગરમ થવાથી બ્રિટનમાં શિયાળાની સિઝનમાં સામાન્ય કરતાં વધારે ઠંડી પડી શકે છે.
