CJP Protest: યુટ્યુબર ધ્રુવ રાઠીને ગુરુગ્રામ પોલીસે ચેતવણી આપી છોડ્યો, જંતર-મંતર જવા પર થશે કાર્યવાહી

પોલીસ ટીમે શનિવારે સવારે સેક્ટર-56 સ્થિત કેન્દ્રીય વિહારમાં આવેલા તેમના ઘરથી ધ્રુવ રાઠીની અટકાયત કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 11 Oct 2026 10:20 AM (IST)Updated: Sun, 11 Oct 2026 10:20 AM (IST)
dhruv-rathee-released-by-gurugram-police-jantar-mantar-protest-visit-warning
યુટ્યુબર ધ્રુવ રાઠી

Dhruv Rathee Released: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબર, શનિવારના રોજ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલા જ સવારે કસ્ટડીમાં લેવામાં આવેલા યુટ્યુબર ધ્રુવ રાઠીને મોડી રાત્રે ગુરુગ્રામ પોલીસે મુક્ત કરી દીધો છે. આખો દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ મોડી રાત્રે તેમને છોડવામાં આવ્યા હતા, પરંતુ જંતર-મંતર જવા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

મળેલી માહિતી અનુસાર, યુટ્યુબર ધ્રુવ રાઠી તાજેતરમાં જ જર્મનીથી ભારત આવ્યા હતા. તેઓ દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને યોજાનાર CJP વિરોધ પ્રદર્શનમાં જોડાવાના હતા. જોકે, તે પહેલા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ અને ગુરુગ્રામ પોલીસે શનિવારે સવારે લગભગ પોણા આઠ વાગ્યે સેક્ટર-56 સ્થિત કેન્દ્રીય વિહારમાં આવેલા તેમના ઘરેથી ધ્રુવ રાઠીની અટકાયત કરી હતી.

શનિવારે સવારે ધ્રુવ રાઠીને કસ્ટડીમાં લીધા બાદ સેક્ટર-39 સ્થિત ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને ફોન વાપરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આખો દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ રાત્રે તેમને છોડી દેવામાં આવ્યા હતા. ગુરુગ્રામ પોલીસે ધ્રુવ રાઠી પાસે બોન્ડ પણ ભરાવડાવ્યો છે.

વધુમાં, ધ્રુવ રાઠીને ગુરુગ્રામ પોલીસે કડક ચેતવણી પણ આપી છે. ગુરુગ્રામ પોલીસ દ્વારા જણાવાયું છે કે, ધ્રુવ રાઠી જંતર-મંતર તરફ જવા અંગે કોઈ વિગત પોસ્ટ કરશે અથવા જંતર-મંતર તરફ જવાનો પ્રયાસ કરશે, તો પોલીસ ફરીથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.