New Delhi: ધ્રુવ રાઠી સામે સાકેત કોર્ટે ઇસ્યુ કર્યુંવોરંટ, શું છે સમગ્ર વિવાદ?

ધ્રુવ રાઠીના વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ લંડનમાં છે અને વ્યક્તિગત રીતે હાજર રહી શકે તેમ નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 17 Oct 2026 02:22 PM (IST)Updated: Sat, 17 Oct 2026 02:22 PM (IST)
delhi-saket-court-bailable-warrant-to-dhruv-rathee-2018-criminal-defamation-case

Delhi Court Warrant to Dhruv Rathee: યુટ્યુબર ધ્રુવ રાઠી સામેના વર્ષ 2018 ના ક્રિમિનલ માનહાનિ (Defamation) મામલામાં દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ધ્રુવ રાઠીના વકીલે અદાલતને જણાવ્યું કે, ધ્રુવ રાઠી લંડન જતો રહ્યો છે અને તે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી. જે બાદ અદાલતે ધ્રુવ રાઠી સામે જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે.

હાજર ન થતા અદાલતે જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું

સાકેત કોર્ટે શનિવારે ધ્રુવ રાઠી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ કોર્ટે ધ્રુવ રાઠીને સમન્સ પાઠવીને વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો હતો. પરંતુ સુનાવણી દરમિયાન ધ્રુવ રાઠી વતી હાજર રહેલા એડવોકેટે કોર્ટને માહિતગાર કર્યા કે તેઓ લંડનમાં છે અને રૂબરૂ હાજર થઈ શકે તેમ નથી. આ રજૂઆત બાદ કોર્ટે ધ્રુવ રાઠી સામે જામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવાનો આદેશ આપ્યો હતો.

શું છે માનહાનિનો મામલો અને ધ્રુવ રાઠી પર આરોપ?

આ કેસ વર્ષ 2018 મે મહિનામાં ધ્રુવ રાઠીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા BJP IT Cell Part-2 શીર્ષક હેઠળના વીડિયો સાથે જોડાયેલો છે. ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડેનો આરોપ છે કે આ વીડિયોમાં તેમની વિરુદ્ધ તદ્દન ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા, જેના કારણે સમાજમાં તેમની છબી અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઘર બહાર સમન્સ ચોંટાડવામાં આવ્યું હતું

અગાઉ કોર્ટ દ્વારા પાઠવવામાં આવેલસમન્સની નોટિસ ગુરુગ્રામના કેન્દ્રીય વિહાર સ્થિત ધ્રુવ રાઠીના નિવાસસ્થાનના મુખ્ય દરવાજા પર ચોંટાડવામાં આવી હતી. કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાહુલ જૈને 12 ઓક્ટોબરના રોજ ફરિયાદીની અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ નવેસરથી સમન્સ ઇશ્યુ કરવાનો આદેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન અદાલતને જણાવવામાં આવ્યું કે, ધ્રુવ રાઠી સામાન્ય રીતે ઓસ્ટ્રિયામાં રહે છે, પરંતુ તે સમયે ભારતમાં ઉપસ્થિત હતો. જેના આધારે ફરિયાદીને પ્રોસેસ સર્વર સાથે જઈને સમન્સની બજવણી કરાવવાની પરવાનગી આપવામાં આવી હતી.

નોટિસ લેવાનો ઈનકાર, ધ્રુવ રાઠી લંડન રવાના થયો

અદાલતી પ્રક્રિયા દરમિયાન ધ્રુવ રાઠીનો ફોન પર સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપ છે કે તેમણે સમન્સની નોટિસ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આથી પ્રક્રિયા મુજબ તેમના ઘર બહાર સમન્સ ચોંટાડવામાં આવ્યું હતું. શનિવારે થયેલ સુનાવણીમાં તેમના વકીલે તેઓ લંડનમાં હોવાની સત્તાવાર જાણકારી આપી હતી. આ મામલે આગળની તમામ કાનૂની કાર્યવાહી અદાલતના આગામી આદેશ મુજબ હાથ ધરવામાં આવશે.