'ગુંડાઓ મોકલીને અપહરણ કર્યું, હું ભારતીય નાગરિક છું', કસ્ટડીમાંથી છૂટ્યા બાદ ધ્રુવ રાઠીનો મોટો દાવો; જુઓ VIDEO

ધ્રુવ રાઠીએ દાવો કર્યો કે તેમની અટકાયત નહોતી થઈ, પરંતુ સાદા ગણવેશમાં આવેલા લોકોએ અપહરણ કર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 11 Oct 2026 02:43 PM (IST)Updated: Sun, 11 Oct 2026 02:43 PM (IST)
dhruv-rathee-citizenship-passport-video-delhi-police-detention-abduction-allegations

Dhruv Rathee New Video: પોલીસ કસ્ટડીમાંથી છોડાયા બાદ યુટ્યુબર ધ્રુવ રાઠીએ રવિવારે બપોરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નહોતી. પરંતુ તેમના ઘરે સાદા ગણવેશમાં પોલીસનાગુંડા મોકલવામાં આવ્યા હતા અને તેમનું ગેરકાયદેસર રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

'માતાને ધક્કો મારીને બેડરૂમમાં ઘૂસી આવ્યા'

ધ્રુવ રાઠીએ આપવીતી જણાવતા કહ્યું કે, શનિવારે સવારે આશરે 7 વાગ્યે પોતાના બેડરૂમમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે જ સાદા કપડામાં 20 થી વધુ લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. તેમના ઘરનો દરવાજો તેમની માતાએ ખોલ્યો હતો. આરોપ છે કે તેમની માતાને ધક્કો મારીને તમામ લોકો ઘરની અંદર અને સીધા બેડરૂમમાં ઘૂસી આવ્યા. તે જ સમયે તેમની આંખ ખુલી હતી.

 

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, પોલીસકર્મીઓએ તેમને બળજબરીથી પકડી લીધા હતા અને ઢસડીને બહાર લઈ ગયા હતા, જેના કારણે તેમને ઘસરકા અને ઈજાઓ થઈ હતી. તેમને ચપ્પલ પણ પહેરવા દેવામાં આવ્યા ન હતા. ધ્રુવ રાઠીનું કહેવું છે કે પોલીસે તેમને કસ્ટડીમાં લેવાનું ન તો કોઈ કારણ બતાવ્યું હતું અને ન તો કોઈ નોટિસ બતાવી હતી.

'ભારતીય નાગરિક છું, અવાજ ઉઠાવવાનો હક છે'

આ વીડિયોમાં ધ્રુવ રાઠીએ પોતાનો ભારતીય પાસપોર્ટ દર્શાવતા કહ્યું કે, તેમની પાસે ભારતની પૂર્ણ નાગરિકતા છે અને તેમને દેશમાં પ્રદર્શન કરવાનો તથા પોતાનો અવાજ ઉઠાવવાનો પૂરો અધિકાર છે. તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

20 કલાક કસ્ટડીમાં રાખ્યા, પરિવાર સાથે મારપીટ

ધ્રુવ રાઠીએ દાવો કર્યો કે આશરે 20 કલાક સુધી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને ન તો ફોન વાપરવા દેવામાં આવ્યો અને ન તો પોતાના વકીલ સાથે વાત કરવા દેવામાં આવી હતી. આ ઉપરાંત, સાદા ગણવેશમાં આવેલા કેટલાક પોલીસકર્મીઓએ તેમના પરિવારના સભ્યો સાથે મારપીટ પણ કરી હતી.

તેમણે આ સ્થિતિની સરખામણી કરતા કહ્યું કે, આવું ઉત્તર કોરિયા (North Korea) જેવા દેશોમાં થાય છે અને આ એક પ્રકારે દેશમાં 'અઘોષિત કટોકટી' (ઈમરજન્સી) જેવી સ્થિતિ છે. બીજી તરફ, આ સમગ્ર મામલે અને ધ્રુવ રાઠીના આક્ષેપો અંગે ગુરુગ્રામ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિભાવ સામે આવ્યો નથી.