Delhi News: અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, સરકારી બંગલાના રિનોવેશન ખર્ચનું CAG કરશે ઑડિટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jun 2023 06:28 PM (IST)Updated: Tue, 27 Jun 2023 06:44 PM (IST)
delhi-news-cag-will-audit-arvind-kejriwal-government-bungalow-renovation-costs

Arvind Kejriwal Sheesh Mahal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલામાં થયેલા રિનોવેશનનું ઓડિટ કરવામાં આવશે. CAG કેજરીવાલના બંગલામાં રિનોવેશન પાછળ થયેલી નાણાંકીય ગેરરીતિની તપાસ કરશે. અગાઉ ભાજપ અને કોંગ્રેસે કેજરીવાલના બંગલામાં રિનોવેશનમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી હતી. બન્ને પાર્ટીઓએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાને પત્ર લખીને રિનોવેશન પાછળ થયેલા ખર્ચની તપાસ કરાવવાની માંગ કરી હતી.

હકીકતમાં અરવિંદ કેજલીવાલે પોતાના બંગલાના રિનોવેશન પાછળ 44.78 કરોડ રૂપિયા ફૂંકી માર્યા હતા. સપ્ટેમ્બર, 2020થી જૂન 2022ની વચ્ચે 6 હપ્તામાં આ રકમની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં 11.30 કરોડ રૂપિયા ડેકોરેશન, 6.02 કરોડ રૂપિયા પથ્થર અને ટાઈલ્સ, 1 કરોડ રૂપિયા કન્સલટન્સી, 2.58 કરોડ રૂપિયા વીજ ઉપકરણો ફિટિંગ માટે, 1.41 કરોડ રૂપિયા કબાટ તેમજ 1.1 કરોડ રૂપિયા રસોડાના સામાન પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા.

આ મામલે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને કેજરીવાલના બંગલાના રિનોવેશનમાં ભ્રષ્ટાચારના આરોપની તપાસ માટે CAG ઑડિટ કરાવવાની ભલામણ કરી હતી.

અગાઉ ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને એક તપાસ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતુ. આ રિપોર્ટના આધારે ઉપરાજ્યપાલે ગૃહ મંત્રાલયને તપાસ માટે કહ્યું હતુ. હવે ઉપરાજ્યપાલની ભલામણના આધારે CAG સમગ્ર કેસની તપાસ કરશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપ પર પલટવાર કરતાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના બંગલાના રિનોવેશનની મંજૂરી તત્કાલીન ભાજપ શાસિત દિલ્હી કોર્પોરેશન અને PWD વિભાગે આપી હતી, જે ઉપરાજ્યપાલને રિપોર્ટ કરે છે. આ 80 વર્ષ જૂના મકાનના છત ધરાશાયી થવાની 3 ઘટનાઓ બની ચૂકી છે. જે બાદ જ PWDએ મકાનના રિનોવેશન માટે ભલામણ કરી હતી.