Delhi Rain: દેશની રાજધાની જળબંબાકાર, અનેક વિસ્તારો ડૂબ્યા, દિલ્હી એનસીઆરમાં આજે ભારે વરસાદનું એલર્ટ

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓને જળભરાવ અને ભયંકર ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 05 Sep 2025 11:03 AM (IST)Updated: Fri 05 Sep 2025 11:03 AM (IST)
delhi-ncr-weather-alert-heavy-rainfall-warning-issued-for-several-cities-597707

Delhi Rain: દિલ્હી-એનસીઆર માટે હવામાન વિભાગે ફરી એકવાર ચેતવણી જાહેર કરી છે. લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા કલાકોમાં ફરીદાબાદ, ગુરુગ્રામ, ઝજ્જર, કરનાલ, નૂહ, પલવલ, પાણીપત અને સોનીપતમાં મૂસળધાર વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હીમાં ભારે વરસાદથી હાલ બેહાલ

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓને જળભરાવ અને ભયંકર ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી રોજિંદા જીવનમાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

યમુના નદીનો ડ્રોન વીડિયો

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી યમુના નદીનું જળસ્તર ભયજનક નિશાનથી ઉપર રહ્યું છે, જેના કારણે દિલ્હી-NCRના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે સવારે 7 વાગ્યા સુધી ઓખલા બેરેજ પર યમુનાનું જળસ્તર 201 મીટરથી થોડું ઓછું નોંધાયું હતું. ગુરુવારની સરખામણીમાં જળસ્તરમાં નજીવો ઘટાડો થયો હોવા છતાં, સ્થિતિ ગંભીર બની રહી છે અને પૂરનો ખતરો યથાવત છે.

લોકોને સાવચેત રહેવા અપીલ

લોકો યમુનાના જળસ્તરમાં ઝડપી ઘટાડો થાય અને પૂરના સંકટમાંથી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે. પ્રશાસને પ્રભાવિત વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ માંગવા જણાવ્યું છે. બીમાર લોકો અને સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે NDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો સતત કાર્યરત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય કરતાં 48 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હરિયાણામાં ઓગસ્ટ મહિના સુધી ચોમાસું સામાન્ય કરતાં 24.1 ટકા વધુ રહ્યું હતું, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને ગત મંગળવારે 24 કલાકના ગાળામાં ગુરુગ્રામમાં 140 મીમી, ઝજ્જરમાં 120 મીમી અને પલવલમાં 100 મીમી વરસાદ નોંધાયો હતો.