દિલ્હીમાં મૉડલ મુસ્કાનની ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરનાર જિમ ટ્રેનર ઝડપાયો, પોલીસે પગમાં 3 ગોળી ધરબીને દબોચ્યો

દિલ્હીમાં મોડેલ મુસ્કાનની હત્યા કરનાર જીમ ટ્રેનર આકિબ ઉર્ફે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજૌરી ગાર્ડનમાં ગોળીબાર બાદ તેના પગમાં ગોળી મારીને તેને ઝડપી પાડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Aug 2026 06:41 PM (IST)Updated: Fri, 28 Aug 2026 06:41 PM (IST)
delhi-model-muskan-murder-accused-gym-trainer-shot-in-leg-and-arrested

Delhi Model Muskan Murder: દિલ્હીમાં 21 વર્ષીય મૉડલ મુસ્કાનની તેના જ ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરનારા જિમ ટ્રેનર આકિબ ઉર્ફે ઈમરાન (26)ની આખરે પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે મોડી રાતે દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જે બાદ પોલીસે સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારીને ઝડપી પાડ્યો છે.

પોલીસની 15 ટીમોની આરોપીને શોધવા દોડધામ

મુસ્કાનની હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ 15 ટીમો બનાવી હતી. તેમજ ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા અને ઠેર-ઠેર નાકાબંધી પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન આરોપી રાજૌરી ગાર્ડન વિસ્તારમાં છૂપાયો હોવાની બાતમી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. સૌ પ્રથમ પોલીસે આરોપીને સરેન્ડર કરવા કહ્યું હતુ, પરંતુ તેણે 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. જેથી પોલીસે પણ સ્વબચાવમાં 7 ગોળીઓ છોડી હતી. જેમાં 3 ગોળીઓ આરોપી ઈમરાનના પગમાં ઘૂસી ગઈ હતી.

મુસ્કાને ઘરનો દરવાજો ખોલતા જ ઈમરાન ચાકુ લઈ તૂટી પડ્યો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુસ્કાન અને ઈમરાન બન્ને એકબીજાને દોઢ વર્ષથી ઓળખતા હતા. મુસ્કાન જે જિમમાં જતી હતી, ત્યાં ઈમરાન ટ્રેનર હતો. જો કે મુસ્કાન અન્ય યુવક સાથે વાત કરતી હોવાથી છેલ્લા બે મહિનાથી ઈમરાન નારાજ રહેતો હતો. મુસ્કાનની હત્યાના એક દિવસ પહેલા એટલે કે 20 ઓગસ્ટે એક હોટલમાં બન્ને વચ્ચે મુલાકાત પણ થઈ હતી.

જે બાદ 21 ઓગસ્ટે સાંડે સાડા 5 વાગ્યાની આસપાસ ઈમરાન હત્યા કરવાના ઈરાદે મુસ્કાનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં મુસ્કાને દરવાજો ખોલતા જ ચાકુના આડેધડ ઘા ઝીંકીને તેને રહેંસી નાંખી હતી. જે બાદ CCTV ફૂટેજમાં ઈમરાન જતો દેખાયો હતો.