Delhi CJP Protest Update: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી કોર્ટે મુક્ત કરી દીધા છે. મેજિસ્ટ્રેટ (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) એ ત્રણેય નેતાઓને એક વર્ષ સુધી શાંતિ જાળવી રાખવાની શરતે છોડવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, ગુરુગ્રામ પોલીસે યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ મુક્ત કરી દીધા છે.
દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત અને મુક્તિ
નવી દિલ્હીના જંતર-મંતર ખાતે 10 ઓક્ટોબરે થયેલા CJP વિરોધ પ્રદર્શન પહેલા શનિવારે દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પરથી CJP નેતા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસની અટકાયત કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે પ્રિવેન્ટિવ એક્શન હેઠળ ત્રણેય નેતાની ધરપકડ કરી લીધી હતી. આજે રવિવારના રોજ પોલીસે તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને તેમને 11 ઓક્ટોબરના રોજ SEM કોર્ટ દિલ્હી કેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, CJP નેતાઓ વિરુદ્ધ BNSS કલમ 126 (શાંતિ જાળવવા માટેની સુરક્ષા) અને કલમ 170 (સંજ્ઞેય અપરાધો અટકાવવા માટે ધરપકડ) હેઠળ નિવારક કાર્યવાહી કરવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
શનિવારના રોજ દિલ્હી પોલીસે અલગ-અલગ સ્થળથી 7000થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી, જેના કારણે તેઓ જંતર-મંતર સુધી પહોંચી શક્યા ન હતા. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો પ્રયાસ કરતી વખતે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, પિનારાઈ વિજયન અને માણિક સરકાર સહિત વિપક્ષના અનેક નેતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી.
CJP અને વિપક્ષી પક્ષો મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' માં થયેલી કથિત ગડબડીને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. CJP એ રવિવારે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પોતાની અપીલ ફરીથી દોહરાવી છે. બીજી તરફ, પોલીસે સમગ્ર શહેરમાં 30,000 થી વધુ પોલીસ અને પેરા મિલિટ્રી જવાનોને તૈનાત કરીને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવી દીધી છે.
