Crime News: આડાસબંધની શંકામાં પતિ બન્યો હેવાન, મોડીરાતે લઘુશંકા માટે ગયેલી પત્નીનો પીછો કરી ગળું ઘોંટી દીધું

પત્નીની લાશને કેનાલના કિનારે ઝાડી-ઝાંખરામાં સંતાડી હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો. પોલીસે સોશિયલ મીડિયામાં લાશની તસવીરો પોસ્ટ કરતાં છૂંદણાના આધારે મૃતકની ઓળખ થઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 15 Mar 2025 04:55 PM (IST)Updated: Sat, 15 Mar 2025 04:55 PM (IST)
crime-news-husband-killed-wife-over-illicit-affair-suspicion
HIGHLIGHTS
  • પતિને પોતાની પત્નીનો ફુઆ સાથે આડાસબંધનો વહેમ હતો

Crime News: ગુજરાતમાં એક ઉક્તિ પ્રચલિત છે કે, 'વહેમની કોઈ દવા નથી'. ખાસ કરીને લગ્ન બાદ આડાસબંધની આશંકામાં અનેક પરિવારોનો માળો વિખેરાયો હોવાના બનાવો છાશવારે સામે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ છત્તીસગઢમાંથી સામે આવ્યો છે. જેમાં પતિએ પોતાની પત્નીના ફુઆ સાથે આડાસબંધ હોવાનો શક રાખીને તેને ઠંડાકલેજે પતાવી દીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત બુધવારના રોજ ખમતરાઈમાં કેનાલના કિનારે અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તેની ઓળખ માટે તપાસ આદરી હતી. આ માટે મહિલાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જેમાં મહિલાના હાથમાં AK નામનું છુંદણું છૂંદાવેલું હતુ. જેના આધારે તેની ઓળખ અહીંના બંગાલીપારામાં રહેતી દુર્ગા ઉર્ફે એશ્વર્યા ખૈરવાર તરીકે થઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં દુર્ગા ઉર્ફે ઐશ્વર્યાની હત્યા તેના જ પતિ સંતોષ ખૈરવારે કરીને તેની લાશને કેનાલના કિનારે ઝાડી-ઝાંખરામાં સગેવગે કરી હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોલીસે હત્યારા પતિને પકડી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપી પતિએ કબૂલ્યું કે, તેને પોતાની પત્ની દુર્ગા ઉર્ફે ઐશ્વર્યાના ફૂઆ સાથે અનૈતિક સબંધ હોવાની આશંકા હતી. જેને લઈને બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન દુર્ગા ઉર્ફે ઐશ્વર્યા પોતાના પિયર કોરબા જતી રહી હતી.

જો કે ગત સોમવારે પત્નીને મનાવી તેડી લાવ્યો હતો. મોડી રાતે પત્ની દુર્ગા ઉર્ફે ઐશ્વર્યા લઘુશંકા માટે બહાર નીકળી, ત્યારે પોતે તેનો પીછો કર્યો હતો. જ્યાં કેનાલના કિનારે પહોંચતા અંધારામાં પત્નીનું તેના જ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી હતી. હાલ તો પોલીસે આરોપીને પકડીને તેના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.