Crime News: લગ્નેતર સબંધના કારણે અનેક પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે. ઘણા કિસ્સામાં તો વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના ઉરઈ તાલુકાના ટિકરી મુસ્તકિલ ગામમાંથી સામે આવ્યો છે. જેમાં મોડી રાતે ઘરે પહોંચેલા પતિએ પોતાની પત્નીને પ્રેમીના બાહુપાશમાં કઢંગી હાલતમાં જોઈ હતી. જેથી તેણે કૂહાડીના ફટકા મારીને બન્નેના કટકા કરી નાંખ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉરઈ જિલ્લાના ટીકરી મુસ્તકિલ ગામમાં કુંવરસિંહ દોહરે (35) પત્ની આરતી અને સંતાનો સાથે રહે છે. જ્યારે દિલ્હીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી પત્નીનો તેના પ્રત્યે વ્યવહાર બદલાઈ ગયો હતો. પત્નીએ ફોન કરવાનું પણ સદંતર બંધ કરી દીધુ હતુ.
આ પણ વાંચો
જેથી કુંવરસિંહને શંકા જતાં તેણે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પત્ની આરતીને નજીકના ગામ ટિકાવલીમાં રહેતા છવિનાથ સિંહ (45) સાથે ચક્કર ચાલી રહ્યું છે. જે પોતાની ગેરહાજરીમાં ઘરે આવીને આરતીને મળે પણ છે. આથી કુંવરસિંહે પત્નીને છવીનાથથી દૂર રહેવા જણાવ્યું હતુ. જેને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. થોડા દિવસ અગાઉ આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં કુંવરસિંહે પત્નીને ફટકારી પણ હતી. જેથી આરતીએ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
પોલીસથી બચવા માટે કુંવરસિંહ આમતેમ ભટકતો હતો. જો કે ગુરુવારની રાતે 10 વાગ્યાની આસપાસ તે છૂપાઈને ઘરે પહોચ્યો. આ સમયે તેની પત્ની બેડરૂમમાં પ્રેમી છવીનાથ સાથે કઢંગી હાલતમાં સૂઈ રહી હતી.
આથી રોષે ભરાયેલા કુંવરસિંહ નજીકમાં રહેલી કૂહાડી પકડીને બન્ને જણા પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે બન્નેના પથારીમાં જ મોત નીપજ્યા હતા. જ્યારે બેડરૂમમાં ચારે તરફ લોહીના ફુવારા ઉડ્યા હતા. રૂમમાં ચીસો સાંભળીને સૂઈ રહેલા બાળકો પણ ઉઠી ગયા, જેમણે પિતાનો પ્રકોપ જોયો તો તેઓ પણ બહાર ભાગ્યા હતા.
બાળકોની બૂમો સાંભળીને ગ્રામજનો પણ એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બેવફા પત્ની અને તેના પ્રેમીની કરપીણ હત્યા કર્યા બાદ પતિ કુંવરસિંહ પોલીસ મથકે પહોંચીને સરેન્ડર કર્યું હતુ. હાલ તો પોલીસે હત્યારાની ધરપકડ કરીને પંચનામું કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
