મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ગામના સરપંચની પત્નીએ જાસૂસી કરીને પોતાના પતિને ઉજ્જૈનની એક હોટલમાંથી રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં પત્નીએ પોતાના પતિની પ્રેમિકાને રીતસરનો મેથીપાક પણ ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નીમચ જિલ્લાની સાવન ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર માળી (35) પોતાની પ્રેમિકા એવી આંગણવાડી વર્કર સાથે ઉજ્જૈનની પ્રકાશ હોટલમાં રોકાયો હતો. જ્યા બુધવારે સવારના સમયે સરપંચની બીજી પત્ની હોટલમાં ધસી આવી હતી, જેણે પોતાના પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
જ્યાં સરપંચની પત્નીએ પોતાના પતિની પ્રેમિકાને બેરહેમીથી ફટકારી પણ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ આ બાબતની જાણ થતાં નાનાખેડા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાંથી તમામને પકડીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રંગીનમિજાજી સરપંચના પ્રથમ લગ્ન 20 વર્ષ અગાઉ થયા હતા. જે બાદ 15 વર્ષ પૂર્વે સરપંચે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ બન્ને પત્નીઓ થકી સરપંચને બે-બે બાળકો પણ છે.
થોડા સમય પહેલા જ સરપંચ આંગણવાડી કાર્યકર્તાના સંપર્કમાં આવતા બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ બાબતની સરપંચની બન્ને પત્નીઓને જાણ થતાં નીમચ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
આ દરમિયાન સરપંચ પોતાની પ્રેમિકાને લઈને નીમચથી ઉજ્જૈન જવા નીકળ્યો હતો. જ્યાં બીજી પત્નીએ તેમની કારમાં લગાવેલા GPS ટ્રેકરની મદદથી લોકેશન શોધી કાઢ્યું હતુ અને ઉજ્જૈનની હોટલમાં પહોંચી હતી. જ્યાં 'પતિ-પત્ની ઔર વો'નો હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
