Crime News: મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના મુહરઈ ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની ત્રણ બાળકીઓ સાથે ઝેર ગટગટાવ્યું હતુ. જે બાદ ચારેયને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક પછી એક ચારેયના મૃત્યુ નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ હરિયાણાના વતની વિનોદ જાટના લગ્ન દામોહ જિલ્લાના મોહરઈ ગામમાં રહેતી જુલી નામની યુવતી સાથે થયા. આ લગ્નજીવન થકી વિનોદને સંતાનમાં ખુશી (7), ખુશ્બુ (4) અને મહેક (2) નામો ત્રણ બાળકીઓ પણ હતી.
આ પણ વાંચો
સાસરીમાં લગ્ન પ્રસંગ હોવાથી વિનોદ પત્ની અને ત્રણેય પુત્રીઓ સાથે ગત 25 એપ્રિલથી મોહરઈ ગામમાં આવ્યો હતો. આજે સવારે વિનોદ પોતાની ત્રણેય દીકરીઓને સમોસા ખવડાવવાના બહાને લઈ ગયો હતો.
થોડીવાર બાદ ગામના એક યુવકે ઘરે આવીને જાણ કરી હતી કે, જમાઈ અને ત્રણેય દીકરીઓ તળાવના કિનારે બેહોશ પડ્યા છે. આથી પરિવારજનો તાત્કાલિક તળાવ કાંઠે પહોંચ્યા હતા, જ્યાં વિનોદ અને ત્રણેય દીકરીઓના મોંઢામાંથી ફીણ નીકળતા હતા. આથી તાત્કાલિક તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તમામને મૃત જાહેર કર્યાં હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વિનોદને તેની પત્ની જુલી સાથે કોઈ બાબતે માથાકૂટ ચાલતી હતી. જો કે અત્યારે જુલી બોલવાની હાલતમાં ના હોવાથી તેના પતિના અંતિમ પગલું ભરવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે અન્ય પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની તપાસ હાથ ધરી છે.
