Operation Sindoor: 'ઑપરેશન સિંદૂર'ની સફળતા પાછળ આ IAF જવાનોનો સિંહફાળો, જેમણે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી

કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ ભારતની સામે તણખાની જેમ ખરી પડ્યા. ભારતની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલને આકાશમાં જ તોડી પાડ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 May 2025 08:52 PM (IST)Updated: Tue, 13 May 2025 08:52 PM (IST)
indian-air-force-soldiers-operation-sindoor-destroyed-pakistan-terrorist-camps
HIGHLIGHTS
  • 'ઑપરેશન સિંદૂર'ના પડદા પાછળના હીરોને મળો

Operation Sindoor: પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઑપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાનમાં 9 આતંકવાદી અડ્ડા ઉડાવી દીધા હતા. આ ઑપરેશનમાં ભારતે પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓની સાથે-સાથે તેમના સંગઠનના હેડ ક્વાર્ટરને પણ ધ્વસ્ત કરી નાંખ્યા છે. ભારતીય સૈન્યની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 25 મિનિટના ઑપરેશનમાં પાકિસ્તાનને એટલું ગંભીર નુક્સાન પહોંચ્યું છે કે, ત્યાંના લોકો જ પાકિસ્તાની સરકાર અને સેનાને ગાળો ભાંડી રહ્યાં છે.

ભારતીય સૈન્યના આ ઑપરેશનને સફળતાપૂર્વક પાર પાડવાનો શ્રેય ઈન્ડિયન એરફોર્સને જાય છે, જેમણે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવ્યો છે. 'ઑપરેશન સિંદુર' બાદ પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા પણ વાગવા લાગ્યા હતા. જો કે આ સમયે પણ એરફોર્સે ઉમદા કામ કર્યું. માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં, પાછળથી પણ એરફોર્સના જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી.

આજે ભારત સરકાર દ્વારા એ ટીમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમણે આ કામ કર્યું. સરકારે એરફોર્સના તેવા સૈનિકોની તસવીરો જારી કરી, જેમણે પડદા પાછળ રહીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ભારતીય સેનાએ પાકિસ્તાનની મિસાઈલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. જેનો સમગ્ર શ્રેય એર ડિફેન્સ સિસ્ટમને જાય છે. એવામાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં 'ઑપરેશન સિંદૂર'નો ભાગ રહેલ ઈન્ટીગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની એક ટીમ જોવા મળી રહી છે.

સરકાર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓ જોવા મળી રહ્યા છે, જેમણે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ઈન્ટીગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની તસવીર. 'ઑપરેશન સિંદૂર'ની સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ

DGMO લેફ્ટેન્ટ જનરલ રાજીવ ધાઈએ પણ એર ડિફેન્સ સિસ્ટમની પ્રસંશા કરતાં જણાવ્યું કે, એવી કોઈ તક જ નહતી કે, જેને પાકિસ્તાન તોડી શકે.

ગઈકાલે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અનેક આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ભારતે તેમને એક જ ઝાટકે ખતમ કરી દીધા. ભારતીય સૈન્યની કાર્યવાહીથી પાકિસ્તાન હતાશામાં ડૂબી ગયું છે. આજ હતાશામાં તેણે બીજી એક ભૂલ કરી દીધી.

પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીનું સમર્થન કરવાની જગ્યાએ તેણે ભારત પર જ હુમલો શરૂ કરી દીધો. પાકિસ્તાને ભારતની સ્કૂલો, ક઼ૉલેજ, ગુરુદ્વારા, મંદિર અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યાં. જેના પરિણામે પાકિસ્તાન પોતે જ બેનકાબ થઈ ગયું. દુનિયાએ જોયું પણ ખરું કે, કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ ભારતની સામે તણખાની જેમ ખરી પડ્યા. ભારતની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલને આકાશમાં જ તોડી પાડ્યા.