Panchmahal: શહેરામાં લગ્નના ત્રીજા દિવસે જ પરિણીતાનો આપઘાત, સાસરિયાઓએ નકલી દાગીના પધરાવતા કૂવો પૂર્યો

સાસરિયાઓ દ્વારા લગ્નમાં સોનાનું લોકેટ અને ચેઈન આપવામાં આવ્યા હતા. જો કે સાસરે ગયા બાદ પરિણીતાને જાણ થઈ કે, આપેલા દાગીના તો નકલી છે. જે વાતનું લાગી આવતા અંતિમ પગલું ભર્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 May 2025 08:23 PM (IST)Updated: Tue, 13 May 2025 08:28 PM (IST)
panchmahal-news-woman-commit-suicide-on-3rd-day-of-her-marriage
HIGHLIGHTS
  • કૂવા આગળ ચંપલ જોઈને અંદર દેખતા લાશ તરતી હતી

Panchmahal: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાડી સમડી ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સાસરિયાઓએ નકલી દાગીના આપતાં હતાશ પરિણીતાએ લગ્નના ત્રીજા દિવસે જ કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાડી સમડી ગામમાં રહેતી શારદા નામની 22 વર્ષની યુવતીના ગત 10મી મેના રોજ પાલીખંડા ગામમાં રહેતા યુવક સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં સાસરિયાઓ તરફથી શારદાને સોનાનું લોકેટ અને ચેઈન સહિતના દાગીના આપવામાં આવ્યા હતા.

જો કે લગ્ન બાદ શારદા સાસરીમાં આવી, ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેને લગ્નમાં સોનાની જગ્યાએ નકલી દાગીના આપવામાં આવ્યા હતા. આ વાતનું લાગી આવતા શારદા ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગઈ હતી.

જે બાદ સાસરિયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા આકેડિયા ગામના ખેતરમાં એક કૂવા નજીકથી શારદાના ચંપલ મળી આવ્યા હતા. આ બાબતની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. જ્યાં ગ્રામજનોની મદદથી કૂવામાંથી શારદાની લાશ બહાર કાઢવામાં આવી હતી.

હાલ તો પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને પરિવારજનોની પૂછપરછ હાથ ધરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ લગ્નના ત્રીજા દિવસે જ પરિણીતાએ આપઘાત કરતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.