Amreli Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે છેલ્લા આઠેક દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. જેમાં ભરઉનાળે જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી રહ્યો છે. આજે સતત આઠમા દિવસે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો છે.
આજે દિવસભર વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારા બાદ બપોરે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
ખાસ કરીને તાલુકાના અભરામપરા, જાબાળ, આંબરડી અને કૃષ્ણગઢ ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અભરામપરા ગામની સ્થાનિક ભગરડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. ભારે વરસાદના પગલે અચાનક નદીમાં પાણીનું સ્તર વધી જતાં વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલું માવઠું કૃષિ પાકો માટે ભારે નુકસાનકારક નીવડ્યું છે. ખેડૂતો ખેતરમાં તૈયાર પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને જોતા જગતનો તાત ચિંતિત બન્યા છે.
