ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રીઃ ભાજપમાં સામેલ થતાં જ રાષ્ટ્રીય OBC મોરચામાં પદાધિકારી તરીકે નિમણૂંક

ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમને ભાજપના OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્પેશિયલ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂંક મળી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 10:34 PM (IST)Updated: Sat, 21 Nov 2026 10:34 PM (IST)
cricketer-yuzvendra-chahal-joins-bjp-appointed-office-bearer-in-national-obc-morcha


Yuzvendra Chahal Joins BJP: ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હવે રાજકારણમાં પોતાની નવી ઈનિંગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે. હકીકતમાં યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં (BJP) જોડાઈ ગયો છે. આ સાથે જ ભાજપે ચહલને ઓધર બેકવર્ડ ક્લાસ (OBC) મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્પેશિયલ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂંક પણ આપી દીધી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા યુઝવેન્દ્ર ચહલને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપનો ખેસ ધારણ કરતા પહેલા યુઝવેન્દ્ર ચહલે પાર્ટીના ઓબીસી મોર્ચાના અધ્યક્ષ અમરપાલ મૌર્ય સાથે મુલાકાત કરી હતી. 

Surat: વેસુ હેલ્થ સેન્ટરમાં લિફ્ટ ખોટકાતા ગર્ભવતી મહિલા સહિત 4 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે દરવાજો ખોલી હેમખેમ બહાર કાઢ્યા

અમરપાલ મૌર્યના હસ્તાક્ષરવાળી આ યાદીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી માટે યુઝવેન્દ્ર ચહલ સિવાય બે ખાસ આમંત્રિત સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એક ઓડિશાના પ્રોફેસર અદ્વેત ચરણ ગડનાયક છે, જ્યારે બીજા ઉત્તર પ્રદેશના વકીલ સીમા સમૃદ્ધિ કુશવાહાનું નામ છે.


ભાજપના જણાવ્યા પ્રમાણે, આસામના જોગેન મોહન, ઓડિશાના મમતા મોહંતા, ઉત્તર પ્રદેશના સંગમ લાલ ગુપ્તા, મહારાષ્ટ્રના બબનરાવ ચૌધરી, દિલ્હીના સત્તપ્રકાશ રાણા, ઉત્તર પ્રદેશના સંગીતા બિંદ અને બિહારના અર્જુન સહનીની ઓબીસી મોર્ચાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે વરણી કરવામાં આવી છે.

આ સિવાય દિલ્હીના ગજેન્દ્ર યાદવ, કર્ણાટકના પ્રમોદ માધવરાજ તેમજ છત્તીસગઢના લલિત ચંદ્રાકરને ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ ભાજપે ઓબીસી મોર્ચા માટે સાત નવા રાષ્ટ્રીય સચિવ સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરી છે.

 

T20 ક્રિકેટમાં 400 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ચહલ

તાજેતરમાં જ યુઝવેન્દ્ર ચહલે T20 ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં 400 વિકેટ ઝડપનાર ચહલ પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. યુઝવેન્દ્ર ચહલે સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી એલિટ 2026ની ગ્રુપ મેચમાં તમિલનાડું સામે આ સિદ્ધિ હાસલ કરી હતી. જેમાં ચહલે 4 ઑવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચહલના આ શાનદાર પ્રદર્શનની મદદથી હરિયાણાએ તમિલનાડુને 7 વિકેટે હરાવ્યું હતુ.

યુઝવેન્દ્ર ચહલ 346 ટી-20 મેચમાં 402 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ યાદીમાં બીજા ક્રમે ભુવનેશ્વરકુમાર (366 વિકેટો) છે, જ્યારે જસપ્રિત બુમરાહ 354 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત પિયુષ ચાવલા 329 અને રવિચંદ્રન અશ્વિન 323 વિકેટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમે સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ભાજપ દ્વારા ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑફ સ્પિનર રહી ચૂકેલા અન્ય એક ક્રિકેટર હરભજનસિંહને પણ મોટી જવાબદારી સોંપી હતી. જેમાં હરભજનને પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.