Surat: સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં આવેલા હેલ્થ સેન્ટરમાં આજે ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અચાનક બંધ થઈ જતાં ગર્ભવતી મહિલા અને 108ના સ્ટાફ સહિત ચાર લોકો અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે હેલ્થ સેન્ટરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ચારેય લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
વેસુ હેલ્થ સેન્ટર ખાતે 108 ઈમરજન્સી સેવાનો સ્ટાફ એક ગર્ભવતી મહિલાને લઈને લિફ્ટમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર જ બંધ થઈ ગઈ હતી. લિફ્ટના દરવાજા ન ખૂલતાં અંદર રહેલા ચાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ બહાર હાજર સ્ટાફ અને અન્ય લોકોએ લિફ્ટનો દરવાજો ખોલવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. આખરે તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ મળતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક વેસુ હેલ્થ સેન્ટર ખાતે પહોંચી હતી. ફાયર જવાનોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ સાવચેતીપૂર્વક બચાવ કામગીરી શરૂ કરી હતી. લિફ્ટમાં ગર્ભવતી મહિલા ફસાયેલી હોવાથી કોઈ જોખમ ન સર્જાય તે રીતે ટેકનિકલ સાધનોની મદદથી દરવાજો ખોલવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં જ ગર્ભવતી મહિલા સહિત અંદર ફસાયેલા ચારેય લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. જો કે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડતા હેલ્થ સેન્ટરમાં જ લિફ્ટ ખોટકાવાની ઘટના બનતાં તેની સુરક્ષા વ્યવસ્થા અને નિયમિત મેન્ટેનન્સ અંગે સવાલો ઊભા થયા છે. હેલ્થ સેન્ટરમાં દર્દીઓની અવરજવર સતત રહેતી હોય છે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ સહિતના દર્દીઓ માટે લિફ્ટ મહત્ત્વપૂર્ણ હોવાથી તેની નિયમિત તપાસ અને જાળવણી અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે.
