Gyanesh Kumar 2006 Case: દેશમાં મતદાર યાદી સુધારણા માટે હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયાને કારણે વિવાદોમાં સપડાયેલા મુખ્ય ચૂંટણી કમિશનરની મુશ્કેલી વધી શકે છે. હકીકતમાં કેરલમ સરકારે 2006ના એક જૂના કેસમાં જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે કેરલમના જાહેર બાંધકામ વિભાગ (PWD)ના સચિવ તરીકે જ્ઞાનેશકુમારના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓ સાથે સંકળાયેલો છે.
જ્ઞાનેશકુમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ
આ મામલે મલયાનકિઝુ વેણુગોપાલ તરફથી નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે, 2006માં PWD વિભાગના સચિવ પદ પર રહેતા જ્ઞાનેશકુમારે કેરલમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (KSTP) અંતર્ગત માર્ગ નિર્માણના કોન્ટ્રાક્ટમાં નાણાંકીય ગેરરીતિ આચરી હતી.
જો કે વિવાદ વકર્યા બાદ જ્ઞાનેશકુમારને PWDના સચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તે સમયે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદીનો આરોપ છે કે, પાછળથી કેસને રફેદફે કરી દેવામાં આવ્યો હતો.
મલેશિયલ એન્જિનિયરની સ્યુસાઈડ નોટમાં જ્ઞાનેશકુમારનું નામ
નાણાંકીય ગેરરીતિ આચરવાની સાથે-સાથે એક મલેશિયન એન્જિનિયર લી સી બીનના આપઘાત કેસમાં પણ જ્ઞાનેશકુમારનું નામ ઉછળ્યું છે. મલેશિયન એન્જિનિયર બીન કેરલ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત રોડના અપગ્રેડેશનમાં સામેલ PATI-BEL કંસોર્ટિયમ સાથે સંકળાયેલ હતા. જેમણે 2006માં કુઆલાલમ્પુરમાં આપઘાત કરી લીધો હતો. બીનને અંતિમ પગલુ ભરતા પહેલા સ્યુસાઈડ નોટમાં જ્ઞાનેશનું નામ લખ્યું હતુ. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય અધિકારીઓ તેમને માનસિક રીતે પરેશાન કરતા હતા.
ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા
કેરલમના ગૃહમંત્રી રમેશ ચેનિથ્થલાએ વિજિલન્સ ડિરેક્ટરને તપાસના આદેશ આપ્યા છે કે, તેઓ જ્ઞાનેશકુમાર સાથે સંકળાયેલા કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરે. હવે વિજિલેન્સ એન્ટ એન્ટી કરપ્શન બ્યૂરો (VACB) આ તમામ આરોપોની તપાસ કરશે. જો તપાસમાં આરોપ સાબિત થાય, તો જ્ઞાનેશકુમાર વધુ એક નવા વિવાદમાં સપડાઈ શકે છે.
SIR પ્રક્રિયાને લઈને જ્ઞાનેશકુમાર પહેલાથી જ વિપક્ષના નિશાને
હકીકતમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, બે ચૂંટણી કમિશનરોએ મુખ્ય ચૂંટણી કમિશનરના અનેક નિર્ણયો પર વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ જ્ઞાનેશકુમાર વિપક્ષના નિશાને છે. તેમના રાજીનામાંની માંગને લઈને મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ જ્ઞાનેશકુમારના રાજીનામાંની માંગ માટે ધરણાં કરી રહી છે.
