Surat: સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અને વાયરલ થવાની ઘેલછામાં વિવાદાસ્પદ વીડિયો બનાવવો સુરતની મહિલા ઇન્ફ્લુએન્સરને ભારે પડ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મહિલા ઇન્ફ્લુએન્સર સિમરન પટેલે ગાંધી જયંતિના એક દિવસ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટો સાથેની 500 રૂપિયાની ચલણી નોટો સાથે અશ્લિલ રીલ બનાવીને વાયરલ કરી હતી. જેને પગલે સુરત સાયબર ક્રાઈમ સેલે તેની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સિમરન અમિત પટેલ (47)એ ગત 1 ઓક્ટોબરના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વાંધાજનક રીલ અપલોડ કરી હતી.
આ રીલમાં સિમરન પટેલ 500 રૂપિયાના દરની ચલણી નોટમાં રહેલી મહાત્મા ગાંધીની તસવીરને બિભત્સ રીતે દર્શાવીને જાતીય સંદર્ભ ધરાવતા અપમાનજનક નિવેદન અને હાવભાવ સાથે જોડીને વીડિયો બનાવ્યો હતો. આ રીલ સિમરન પટેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો.
સિમરન પટેલનો આ વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરતના એક જાગૃત નાગરિક દ્વારા સુરત સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ સેલની ટીમે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત સિમરન પટેલ સામે કાયદેસર ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ સેલની કડક કાર્યવાહીને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થવા માટે ગમે તેવા વિવાદાસ્પદ કન્ટેન્ટ બનાવતા ઈન્ફ્લુએન્સરોમાં ફફડાટ ફેલાયો છે.
