Vadodara: કિશનવાડીમાં ઘર નજીકથી બાળકના અપહરણનો પ્રયાસ, પાડોશીઓની સમય સૂચકતાથી હેલ્મેટધારી બાઈક ચાલકો ભાગ્યા

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પાડોશીઓની સમયસૂચક્તાથી સગીર બાળકનું અપહરણ થતાં રહી ગયું છે. આ ઘટનાના પગલે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 05:26 PM (IST)Updated: Sun, 04 Oct 2026 05:26 PM (IST)
vadodara-news-attempted-child-abduction-in-kishanwadi-foiled-by-vigilant-neighbors

Vadodara: શહેરના કિશનવાડી વિસ્તારમાં સગીર બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા હેલ્મેટધારી ઈસમો બાળકને બાઈક પર બેસાડવા જતાં પાડોશીઓએ બૂમાબૂમ કરતાં અપહરણકારોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતુ. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના કિશનવાડી વિસ્તારમાં ઘર નજીક 10 થી 12 વર્ષનો બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન બાઈક પર હેલ્મેટ પહેરેલા બે યુવકો આવ્યા હતા. જેમણે બાળકને લલચાવી-ફોસલાવી બાઈક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે પાડોશીઓની નજર પડી જતાં અપહરણકર્તાઓ બાળકને મૂકીને બાઈક પર નાસી છૂટ્યા હતા.

બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, અજાણ્યા ઈસમો મારા દીકરાને ઉપાડી જવાના ઈરાદા સાથે જ આવ્યા હતા. આ ઘટનાના પગલે કિશનવાડી વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધીને સ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. જેથી બાઈક પર ફરાર થઈ ગયેલા અપહરણકર્તાઓનું પગેરું મેળવી શકાય.