અમિત શાહનો અખિલેશ યાદવ પર વળતો પ્રહાર- 'સમાજવાદી પાર્ટી પોતાની તમામ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપે, અમને કોઈ વાંધો નથી'

SP સાંસદ ધર્મેન્દ્ર યાદવે મહિલા અનામતમાં પછાત વર્ગની મહિલાઓ માટે અલગ ક્વોટા આપવાની માંગ કરી હતી. જેથી સામાજિક ન્યાય સુનિશ્ચિત થઈ શકે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Apr 2026 04:22 PM (IST)Updated: Thu, 16 Apr 2026 04:22 PM (IST)
amit-shah-slams-sp-in-parliament-over-womens-reservation-and-delimitation-bills
HIGHLIGHTS
  • આ વખતે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લઈ ચૂકી છે: અમિત શાહ

નવી દિલ્હી: સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત (Women Reservation Bill) અને સીમાંકન સાથે સંકળાયેલા ત્રણ અગત્યના બિલ રજૂ કરવામાં આવ્યા છે. જેને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ગરમાગરમી જોવા મળી રહી છે. આ બિલોનો વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટીના સાંસદોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આડેહાથ લીધા છે.

હકીકતમાં લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે મહિલા અનામત અને સીમાંકન બિલનો વિરોધ કરતાં જણાવ્યું કે, મહિલા અનામતમાં પછાત વર્ગની મહિલાઓ માટે અલગ ક્વોટા આપવાની માંગ કરવામાં આવી હતી. તેમણે સરકાર સમક્ષ સ્પષ્ટ નીતિ લાવવાની માંગ કરી, જેથી સામાજિક ન્યાય સુનિશ્ચિત થઈ શકે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યું કે, દેશમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ વખતે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લઈ ચૂકી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પ્રશ્નનો જવાબ આપતા અમિત શાહે કટાક્ષ કરતાં જણાવ્યું કે, જો સમાજવાદી પાર્ટીના હાથમાં હોત, તો તે દરેક ઘરને જાતિઓમાં વિભાજિત કરી દેત. આ સાથે જ મુસ્લિમ મહિલાઓને અનામત આપવાની માંગ પર જવાબ આપતા જણાવ્યું કે, ધર્મના આધારે અનામત બંધારણની વિરુદ્ધ છે. જો સમાજવાદી પાર્ટી ઈચ્છે, તો પોતાની તમામ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી દે, તેમાં અમને કોઈ વાંધો નથી.