Monsoon Session 2026: આજથી ચોમાસું સત્ર શરુ; રામ મંદિર ચોરી, NEET અને મહિલા અનામત મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે

આ ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 19 બેઠકો યોજાશે. સત્રની શરૂઆત પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનના 'હંસ દ્વાર' ખાતે મીડિયાને સંબોધિત કરશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 20 Jul 2026 07:05 AM (IST)Updated: Mon, 20 Jul 2026 07:05 AM (IST)
parliament-monsoon-session-begins-opposition-to-corner-government-on-ram-mandir-and-neet-issue
સંસદ ચોમાસુ સત્ર 2026

Monsoon Session 2026: દેશની સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. વિપક્ષના આક્રમક વલણ અને પ્રજાલક્ષી તેમજ વિવાદાસ્પદ મુદ્દાઓની લાંબી યાદી જોતાં આ સત્ર ભારે તોફાની રહેવાની પૂરેપૂરી ધારણા છે. એક તરફ વિપક્ષ રામ મંદિરમાં પ્રસાદની ચોરી, NEET પેપર લીક અને મહિલા અનામત જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સરકારને ચોતરફથી ઘેરવાની રણનીતિ બનાવી ચૂક્યો છે, તો બીજી તરફ સરકારે પણ કાયદાકીય કાર્યવાહી અને મહત્વના બિલો પસાર કરવા માટે કમર કસી લીધી છે. આ ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 19 બેઠકો યોજાશે. સત્રની શરૂઆત પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનના 'હંસ દ્વાર' ખાતે મીડિયાને સંબોધિત કરશે.

રાજનાથ સિંહની સર્વપક્ષીય બેઠકમાં ભારે હોબાળો અને બહિષ્કાર

સત્રને સુચારુ રૂપે ચલાવવા માટે રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં 40 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. જો કે, બેઠકની શરૂઆતમાં જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર જૂથને આમંત્રણ આપવા બાબતે વિપક્ષી પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ, સપા, ડીએમકે, જેએમએમ, આમ આદમી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ તથા શિવસેના (UBT) એ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ સવાલ ઉઠાવ્યો હતો કે ગૃહમાં હજુ સત્તાવાર માન્યતા ન મળી હોવા છતાં કયા આધારે બળવાખોર જૂથને આમંત્રણ અપાયું? સરકારે સ્પષ્ટતા કરી કે 20 લોકસભા સભ્યોએ અલગ જૂથ બનાવી સ્પીકરને અરજી કરી છે, અને તેમની સંખ્યાત્મક શક્તિને કારણે તેમને અવગણી શકાય નહીં. સરકારની આ સ્પષ્ટતા બાદ વિપક્ષી નેતાઓ ફરી બેઠકમાં જોડાયા હતા. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, ગૃહનું કામકાજ શાંતિપૂર્ણ રીતે ચલાવવું એ બધાની સામૂહિક જવાબદારી છે.

રામ મંદિર પ્રસાદ ચોરી મામલે સ્વતંત્ર તપાસની માંગ

આ બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંયુક્ત રીતે વડા પ્રધાનને પત્ર લખીને રામ મંદિરના પ્રસાદની ચોરીના કેસમાં તાત્કાલિક સ્વતંત્ર તપાસની માંગ કરી છે. વિપક્ષનો આરોપ છે કે મંદિર ટ્રસ્ટના દરેક સભ્યોની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી હોવાથી, આટલી મોટી ચોરી પર સરકારનું મૌન અસ્વીકાર્ય છે. આ ઉપરાંત સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ આ મુદ્દો સંસદમાં ગજવવાની અને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' નો વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

બિલો પર ખેંચતાણ અને પ્રાદેશિક પક્ષોની માંગ

સરકારે આ સત્ર દરમિયાન વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ અને *વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન* બિલ સહિત કુલ આઠ મહત્વના બિલો રજૂ કરવાની યાદી સ્પષ્ટ કરી છે. બીજી તરફ, ડીએમકે (DMK) ના સાંસદ ટીઆર બાલુએ માંગ કરી છે કે મહિલાઓ માટે 33 ટકા અનામત વર્તમાન લોકસભાની સભ્ય સંખ્યાના આધારે જ લાગુ થવી જોઈએ. આ સત્રમાં મહિલા અનામત અને સીમાંકન બિલ પર સરકાર પાસે બે તૃતીયાંશ બહુમતી હશે તો તે પસાર કરાવવા પ્રયાસ કરશે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ વિદ્યાર્થીઓના હિત અને મણિપુરની સ્થિતિ પર વિશેષ ચર્ચાની માંગ કરી છે.

બળવાખોરોની એન્ટ્રીથી NCPIની રણનીતિ મજબૂત

બીજી તરફ, નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) એ પણ સંસદ સંકુલના બંધારણ ગૃહમાં બેઠક યોજી આગામી વ્યૂહરચના ઘડી કાઢી છે. તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદો NCPIમાં જોડાયા હોવાથી આ પક્ષનું કદ વધ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ બળવાખોર સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે, જોકે ઔપચારિક વિલીનીકરણની મંજૂરી હજુ બાકી છે. બળવાખોર જૂથના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે તેઓ દેશની એકતા અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો જેવા આર્થિક મુદ્દાઓ પર સંસદમાં અવાજ ઉઠાવશે. આ તમામ સમીકરણો જોતાં આગામી દિવસોમાં સંસદમાં ભારે રાજકીય ઘમાસણ જોવા મળશે તે નક્કી છે.