Gujarat Assembly Monsoon Session Preview: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરી સાથે શરૂ થશે. જેમાં પોલીસ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા હાથ ધરવામાં આવશે.
પ્રશ્નોત્તરીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહમાં 4 મહત્વના સુધારા બિલ રજૂ કરવામાં આવશે. આ વિધેયકમાં જમીનના જુના વ્યવહારોને નિયમિત કરવા, GSTમાં વેપારીઓ અને નિકાસકારોને રાહત આપવા, પશુધન આહાર સંબંધિત નિયમો બનાવવા અને અનુદાનિત ખાનગી સ્કૂલોમાં ભરતી પ્રક્રિયા અંગે કડક જોગવાઈ કરવાનો સમાવેશ થાય છે.
ખાનગી સ્કૂલોમાં ભરતીના નિયમો બદલાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972 માં સુધારા માટેના વિધેયકમાં સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કાયદાના દાયરામાં આવરી લેવાઈ છે. હવેથી અનુદાનિત ખાનગી સ્કૂલમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં રાજ્ય સરકારની અનામત નીતિ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત હેડમાસ્ટર, શિક્ષક, સ્પેશિયલ એજ્યુકેટર અને બિન શૈક્ષણિક સ્ટાફની લાયકાત તથા ભરતી પ્રક્રિયા સરકાર નિયમો દ્વારા નક્કી થશે.
જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ ભરતી કરશે તો રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. અમુક જોગવાઈના ભંગ બદલ 1 થી 2 વર્ષ સુધીની જેલ અથવા રૂ. 10 થી 15 લાખ સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે, તેમજ શાળા બંધ કરવાના નિયમના ભંગ બદલ રૂ. 20 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય શિક્ષક કે કર્મચારીના સસ્પેન્શન અંગે બોર્ડના અધિકારીએ 45 દિવસમાં નિર્ણય કરવો ફરજિયાત બનાવાયો છે.
જમીનના નિયમોમાં મોટા બદલાવની શક્યતા
ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા અંગેના કાયદા (પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ એમેન્ડમેન્ટ બિલ, 2026) માં મહત્વના સુધારા રજૂ કર્યા છે. નવા નિયમ મુજબ 29 જાન્યુઆરી 1948 થી 31 માર્ચ 2026 સુધી કાયદાની જોગવાઈ વિરુદ્ધ થયેલા જમીનના ટ્રાન્સફર કે ભાગલાના વ્યવહારોને કોઈ પણ દંડ કે પ્રીમિયમ વસૂલ્યા વગર નિયમિત ગણવામાં આવશે.
આ અંગે કોઈ સતાધિકારી સમક્ષ કેસ કે રિવિઝનલ ઓથોરિટી સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ હશે તો પણ નવી જોગવાઈ મુજબ તેનો નિકાલ થશે અને ટ્રાયલ સ્ટેજ પરની પેન્ડિંગ કાર્યવાહી રદ ગણાશે.
GST માં વેપારીઓ અને નિકાસકારોને ફાયદા
ગુજરાત સરકારે રજૂ કરેલા માલ અને સેવા વેરા (GST) સુધારા બિલથી વેપારીઓ અને નિકાસકારોને મોટી રાહત મળશે. નવા સુધારા મુજબ માલ વેચ્યા પછી ક્રેડિટ નોટ દ્વારા ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવાની પ્રક્રિયા સરળ બનશે, જેમાં ગ્રાહકે લીધેલા ડિસ્કાઉન્ટ પરનો ITC પરત કરવાનો રહેશે.
વધુમાં, જે વેપારીઓને ટેક્સ તફાવતના કારણે રિફંડ મળવાનું હોય તેમને પાત્ર કેસમાં 90% રીફંડ અગાઉથી મળી શકશે. નિકાસકારો માટે રિફંડ મેળવવાની હાલની રૂ. 1,000 ની ન્યૂનતમ મર્યાદા પણ દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
પશુધન આહાર નિયમન અને અન્ય વિધેયક
વિધાનસભા ગૃહમાં પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક પણ રજૂ થશે, જેનાથી પશુ આહાર અને ખનિજ મિશ્રણ સંબંધીત નિયમન સુદ્રઢ બનશે. આ ચોમાસુ સત્ર દરમિયાન ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ સુધારા વિધેયક, નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી વિધેયક, ભાડા વિધેયક, જમીન મહેસુલ વિધેયક અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક સહિતના મહત્વના સરકારી વિધેયક રજૂ થવાના છે.
