'શું ચૂંટણીમાં મતદાન ન કરનારને સજા થવી જોઈએ?'- સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવતા કહ્યું- 'વૉટ આપવા મજબૂર ના કરી શકીએ'

ન્યાયાધીશો સહિત ઘણા લોકો ચૂંટણીના દિવસે પોતાની ફરજોમાં વ્યસ્ત હોય છે. આવી સ્થિતિમાં દરેક માટે મતદાન ફરજિયાત કરવું વ્યવહારુ નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Apr 2026 04:03 PM (IST)Updated: Thu, 16 Apr 2026 04:03 PM (IST)
supreme-court-refuses-plea-to-make-voting-mandatory-in-india-calls-for-awareness-instead
HIGHLIGHTS
  • અજય ગોયલે સર્વોચ્ચ અદાલતમાં ફરજીયાત મતદાન માટે જાહેરહિતની અરજી દાખલ કરી હતી
  • જાણી જોઈને વોટ ના આપનારાને સરકારી સુવિધાઓ બંધ કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો

Voting Mandatory in India: સર્વોચ્ચ અદાલતે દેશમાં મતદાનને ફરજિયાત બનાવવાની માંગ કરતી જાહેરહિતની અરજી પર સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે, આવી બાબતોમાં કોર્ટ દખલગીરી ના કરી શકે.

આ સાથે જ ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે અરજદાર અજય ગોયલને તેમની માંગણીઓ માટે સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અરજીમાં મતદાનને ફરજિયાત બનાવવાની માંગ

અજય ગોયલ દ્વારા દાખલ કરવામાં આવેલ જાહેરહિતની અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે, મતદાનને ફરજિયાત કરવામાં આવે. આટલું જ નહીં, જે લોકો જાણીજોઈને વોટ નથી આપતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે આવા લોકો માટે સરકારી સુવિધાઓ બંધ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે જણાવ્યું કે, લોકશાહી કાયદાકીય દબાણથી નહીં પણ જનજાગૃતિથી મજબૂત થાય છે. ભારત જેવા લોકશાહી દેશમાં, જ્યાં કાયદાનું શાસન છે અને છેલ્લા 75 વર્ષમાં લોકશાહી મૂલ્યો પર વિશ્વાસ જળવાઈ રહ્યો છે, ત્યાં લોકો પાસેથી મતદાનની અપેક્ષા રાખવામાં આવે છે.જો કોઈ મતદાન ન કરે તો તેનો ઉકેલ જાગૃતિ વધારવાનો છે, તેમને મજબૂર કરવાનો નહીં.

અદાલતે ફરજિયાત મતદાન સાથે જોડાયેલી વ્યવહારુ મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉદાહરણ આપતા કહેવામાં આવ્યું કે, ન્યાયાધીશો સહિત ઘણા લોકો ચૂંટણીના દિવસે પોતાની ફરજોમાં વ્યસ્ત હોય છે. આવી સ્થિતિમાં દરેક માટે મતદાન ફરજિયાત કરવું વ્યવહારુ નથી.

આ સાથે જ બેન્ચે સમાજના વંચિત વર્ગોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે, જો કોઈ દૈનિક મજૂર તેની રોજીરોટીના કારણે મતદાન કરી શકતો નથી, તો શું તેને આ માટે સજા કરવી યોગ્ય ગણાશે?