Samvidhan Gaurav Diwas Amit Shah: બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણના મહત્વ, ઐતિહાસિક સફર અને વર્તમાન રાજકીય-સામાજિક પરિપ્રેક્ષ્ય પર સ્પષ્ટ વાત કરી છે. તેમણે જણાવ્યું કે દેશના બંધારણનો આદર કરવો એ દરેક નાગરિકની ફરજ છે અને 26 નવેમ્બર, 1949ના દિવસે દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી.
90 વર્ષના સંઘર્ષ અને બલિદાનનું સ્મરણ
કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ આઝાદીના લડવૈયાઓના ત્યાગને યાદ કરતાં કહ્યું કે 1857થી 1947 સુધી ચાલેલા 90 વર્ષના લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસંખ્ય લોકોએ બલિદાન આપ્યા છે. માતૃભૂમિને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરાવવા માટે અનેક સેનાનીઓએ હસતે મોંઢે પોતાનો જીવ ન્યોછાવર કર્યા. ઘણા લોકોએ પરિવાર, કારકિર્દી, વેપાર અને અભ્યાસ છોડીને રાષ્ટ્રહિત માટે સતત પ્રયત્નો કર્યા હતા.
શાંતિપૂર્ણ સત્તા પરિવર્તન અને બંધારણીય મર્યાદા
બંધારણની ભૂમિકા અંગે બોલતા અમિત શાહે કહ્યું કે બંધારણ નાગરિકોને સરકાર અને સત્તા પસંદ કરવાનો અધિકાર આપે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બંધારણથી જ સત્તા મળે છે અને બંધારણથી જ સત્તા જાય છે. દેશમાં અનેકવાર સત્તામાં ફેરફાર થયા હોવા છતાં ક્યારેય હિંસા ફાટી નીકળી નથી, જેનું શ્રેય બંધારણને જાય છે. જે લોકો હાથમાં બંધારણ લઈને ફરે છે, તેમણે ખરેખર બંધારણનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ.
'બંધારણ ગૌરવ દિવસ' ઉજવવાનો હેતુ
અમિત શાહે ઉમેર્યું કે બંધારણનું સન્માન કરવું એ આપણા સૌ માટે ગૌરવ અને જવાબદારીની બાબત છે. પરંતુ આઝાદી પછીના સમયમાં બંધારણને માત્ર શાસન ચલાવવાની એક માર્ગદર્શિકા પૂરતું સીમિત રાખવાનો પ્રયાસ થયો. યુવાનો, કિશોરો અને સામાન્ય નાગરિકોમાં બંધારણની મૂળ ભાવના જગાડવાની પ્રક્રિયા પર પૂરતું ધ્યાન અપાયું નહીં. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 2015થી દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ ગૌરવ દિવસ ઉજવવાનો નિર્ણય લેવાયો, જેથી શાળા-કોલેજો અને દરેક નાગરિક સુધી બંધારણના સર્વોચ્ચ મૂલ્યો પહોંચી શકે.
મૂળ પ્રત અને નંદલાલ બોઝના ચિત્રોનો ઉલ્લેખ
જે લોકો દેશની સંસ્કૃતિ અને સભ્યતાનો વિરોધ કરે છે, તેમને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે જીવનમાંથી 10થી 15 મિનિટ કાઢીને બંધારણની મૂળ પ્રત અવશ્ય જોવી જોઈએ. બંધારણની મૂળ પ્રતના વિવિધ પ્રકરણોની શરૂઆત ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગોના ચિત્રોથી થાય છે. તેમાં:
- અયોધ્યામાં ભગવાન શ્રી રામનું આગમન
- ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
- દશમ પિતા ગુરુ ગોવિંદ સિંહજી
- રાણી લક્ષ્મીબાઈ
- દાંડી કૂચ
- નેતાજી સુભાષચંદ્ર બોસ
આ તમામ પ્રસંગોના ચિત્રોનો સમાવેશ થાય છે. અમિત શાહે હાથમાં બંધારણ લઈને ફરનારાઓને અનુરોધ કર્યો કે તેઓ સંસદ ભવનની લાઈબ્રેરીમાં જાય, 15 મિનિટનો સમય ફાળવે અને કલાકાર નંદલાલ બોઝે તૈયાર કરેલા ચિત્રો નિહાળીને બંધારણની સાચી ભાવના સમજે.
