Amit Shah Arunachal Visit: અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 11,200 મેગાવોટના સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ (SUMP) સામે લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. ઈટાનગર નજીક એક કાર્યક્રમમાં અમિત શાહે સ્થાનિક લોકોને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક લોકોની ચિંતાનો ઉકેલ સકારાત્મક વાતચીતથી લાવવામાં આવશે.
સિયાંગ ડેમના વિરોધ વચ્ચે અરુણાચલમાં અમિત શાહ
અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 11,200 મેગાવોટના સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ (Siang Upper Multipurpose Project - SUMP) અંગે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યું છે. આ વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 21 નવેમ્બર, શનિવારના રોજ અરુણાચલ પ્રદેશના પ્રવાસે પહોંચ્યા હતા.
રાજધાની ઈટાનગર નજીક બાંદરદેવા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્થાનિક લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર સ્થાનિક લોકોની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓનું સંપૂર્ણ સન્માન કરે છે અને તેના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
'તમારી ચિંતાઓ સાંભળવા અને ઉકેલવા માટે આવ્યો છું'
સિયાંગ પ્રોજેક્ટ અંગેના પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું હતું કે સ્થાનિક લોકોની ચિંતાઓ અત્યંત મહત્વપૂર્ણ છે. સિયાંગ વિસ્તારના લોકોની લાગણીઓ અને આશંકાઓ અંગે તેઓ સારી રીતે જાણે છે. સ્થાનિક લોકોની ચિંતાઓને સીધી રીતે સમજવા અને તેનું નિરાકરણ લાવવા માટે જ તેઓ અરુણાચલ પ્રદેશ આવ્યા છે.
સ્થાનિક સમુદાયને સંબોધિત કરતા અમિત શાહે વધુમાં કહ્યું કે, સિયાંગના ભાઈઓ અને બહેનોને તેઓ વિશ્વાસ અપાવવા માંગે છે કે સકારાત્મક વાતચીત દ્વારા આગળનો રસ્તો કાઢવામાં આવશે. લોકોએ આ મુદ્દે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરા સાથે કોઈ સમાધાન નહીં
પોતાના સંબોધનમાં અમિત શાહે સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યે સરકારના સન્માનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્થાનિક લોકોના મનમાં પોતાની સંસ્કૃતિ માટે જેટલું સન્માન છે, તેટલું જ સન્માન સરકાર અને તેમના મનમાં પણ છે. સ્થાનિક પરંપરા, સંસ્કૃતિ અને ધર્મ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના જ આગળ વધવામાં આવશે.
આ ઉપરાંત તેમણે સ્થાનિક લોકોને અરુણાચલ પ્રદેશ સરકાર સાથે સંવાદ કરવાની અપીલ કરી હતી. રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના માધ્યમથી પોતાની રજૂઆતો અને ચિંતાઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવા પણ જણાવ્યું હતું.
અરુણાચલમાં શા માટે થયો સિયાંગ પ્રોજેક્ટનો વિરોધ?
અરુણાચલ પ્રદેશના સિયાંગ અને અપર સિયાંગ જિલ્લામાં રહેતા મૂળનિવાસી આદિ (Adi) સમુદાયના લોકો તેમજ અનેક સ્થાનિક સંગઠનો આ ડેમ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા પ્રોજેક્ટ અંગે મુખ્યત્વે ત્રણ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
1. અસ્તિત્વ-સાંસ્કૃતિક ઓળખ સામે જોખમ
આદિ સમુદાયના અનેક પરિવારો માટે સિયાંગ નદી માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તે તેમના ઈતિહાસ, પરંપરાગત માન્યતા અને સાંસ્કૃતિક રીતરિવાજો સાથે જોડાયેલી છે. સ્થાનિક લોકોને આશંકા છે કે આટલો વિશાળ ડેમ બનાવવામાં આવશે તો તેમના પૂર્વજોનાગામ, જમીન અને સાંસ્કૃતિક ઓળખને નુકસાન થઈ શકે છે. આ પ્રોજેક્ટને કારણે પરંપરાગત વસવાટ અને જીવનશૈલી પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2. પર્યાવરણ અને ભૂકંપની ગંભીર આશંકા
સ્થાનિક રહેવાસીઓ અને સંગઠનોનું કહેવું છે કે સિયાંગ ખીણનો પર્યાવરણ અત્યંત સંવેદનશીલ છે. આ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ પણ જોખમી ઝોનમાં આવે છે. આવી સ્થિતિમાં આટલા મોટા પાયે બાંધકામ કરવામાં આવે તો પર્યાવરણ અને સ્થાનિક લોકોની સુરક્ષા પર ગંભીર અસર થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
3. પારદર્શિતાનો અભાવ અને ગંભીર આક્ષેપ
પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્ષેપ છે કે પ્રોજેક્ટ આગળ વધારતાં પહેલા સ્થાનિક લોકો સાથે પૂરતી ચર્ચા અને સલાહ-મસલત કરવામાં આવી નથી. સ્થાનિક સંગઠનો પ્રોજેક્ટની પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ (Pre-Feasibility Report) તૈયાર કરવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત સમગ્ર પ્રોજેક્ટ પર ફરીથી વિચારણા કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
ભારત માટે સિયાંગ રિવર પ્રોજેક્ટ શા માટે મહત્ત્વપૂર્ણ છે?
સિયાંગ નદી પર પ્રસ્તાવિત આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની પાછળનું એક મોટું કારણ ચીન દ્વારા તિબેટમાં યારલુન્ગ ત્સાંગપો નદીના ઉપરવાસમાં વિશાળ જળવિદ્યુત પરિયોજના બનાવવાની કામગીરી છે. યારલુન્ગત્સાંગપો નદી આગળ જતાં ભારતમાં પ્રવેશે છે. જેને અરુણાચલ પ્રદેશમાં સિયાંગ તથા આસામમાં બ્રહ્મપુત્રા નદી તરીકે ઓળખવામાં આવે છે.
ચીન દ્વારા ઉપરવાસમાં બનાવવામાં આવી રહેલા વિશાળ હાઈડ્રોપાવરપ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ભારત માટે પણ સિયાંગ નદી પરની પરિયોજના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ દ્વારા ચીનની જળ સંબંધિત વ્યૂહાત્મક સ્થિતિ સામે સંતુલન જાળવવા અને ભારતની જળ સુરક્ષા મજબૂત બનાવવામાં મદદ મળશે, તેવો કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ છે.
11,200 મેગાવોટના સિયાંગ ડેમ પ્રોજેક્ટથી શું ફાયદો થશે?
સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટની કુલ પ્રસ્તાવિત ક્ષમતા 11,200 મેગાવોટ છે. પ્રોજેક્ટનો હેતુ મોટા પાયે જળવિદ્યુત ઉત્પાદન કરવાની સાથે નદીના પ્રવાહને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થવાનો છે. આ પરિયોજના સાકાર થાય તો અરુણાચલ પ્રદેશને અનેક રીતે લાભ થઈ શકે છે.
- વીજળી ઉત્પાદન: 11,200 મેગાવોટની ક્ષમતાથી મોટા પાયે વીજળીનું ઉત્પાદન થઈ શકશે.
- જળ વ્યવસ્થાપન: સિયાંગ નદીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
- આર્થિક વિકાસ: રાજ્યની આવક અને મહેસૂલમાં વધારો થવાની શક્યતા છે.
- માળખાકીય સુવિધા: રસ્તા, પરિવહન અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસને વેગ મળી શકે છે.
- રોજગારી: પ્રોજેક્ટના નિર્માણ અને સંચાલન દરમિયાન મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ શકે છે.
