Gujarati Bajri Vada Recipe: શિયાળાની ઠંડીમાં સાંજના સમયે ગરમાગરમ નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. એવામાં જો ચા સાથે ક્રિસ્પી અને મસાલેદાર બાજરીના વડા મળી જાય તો દિવસ બની જાય. બાજરીનો લોટ, તલ, દહીં અને દેશી મસાલાના મિશ્રણથી બનતા આ વડા સ્વાદમાં લાજવાબ લાગે છે. ખાસ વાત એ છે કે તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ બાજરીના વડા બનાવવાની રીત.
બાજરીના વડા બનાવવા માટેની સામગ્રી
- બાજરીનો લોટ – 1 કપ
- ઘઉંનો લોટ – 2 ચમચી
- દહીં – 3 ચમચી
- આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
- તલ – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- લાલ મરચું પાઉડર – ½ ચમચી
- ધાણાજીરું પાઉડર – 1 ચમચી
- અજમો – ½ ચમચી
- તલ અને મીઠું – સ્વાદ પ્રમાણે
- લીલા ધાણા – સમારેલા
- તેલ – તળવા માટે
બાજરીના વડા બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લો. તેમાં દહીં, આદુ-મરચાંની પેસ્ટ, તલ, અજમો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
હવે તેમાં સમારેલા લીલા ધાણા નાખીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટ વધારે ઢીલો ન હોવો જોઈએ, નહીં તો વડા બનાવવામાં મુશ્કેલી પડશે.
ત્યારબાદ લોટમાંથી નાના-નાના લૂઆ બનાવીને હથેળીથી દબાવી વડાનો આકાર આપો. વડા વધારે જાડા ન રાખવા, જેથી અંદર સુધી સારી રીતે ચડી જાય.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા વડા ધીમે ધીમે નાખો. તેને ધીમા-મધ્યમ તાપે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
વડા બરાબર તળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ બાજરીના વડા. તેને લીલી ચટણી, લસણની ચટણી અથવા ગરમાગરમ ચા સાથે પીરસો.
